ખાવડા, તા. 8 : અહીંની
માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક તબીબની
સવલત ઉપલબ્ધ કરાવવા સંબંધિત તંત્રને રજૂઆત કરાઈ હતી. આજુબાજુના 20 જેટલા ગામની અંદાજે 40,000 જેટલી વસ્તી ખાવડાની શાળા અને આરોગ્ય કેન્દ્ર સાથે
સંલગ્ન છે. ગામમાં સારસ્વતમ્ સંસ્થા સંચાલિત માધ્યમિક શાળામાં અંદાજે 180 જેટલાં બાળક માટે હાલ માત્ર એક જ કાયમી શિક્ષક હોવાની
ફરિયાદ કરાઈ હતી. શિક્ષણનો વ્યાપ વધારવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે શાળાના પાયાના પથ્થર સમાન શિક્ષકોની નિયુક્તિ સુનિશ્ચિત કરવા અને મળવાપાત્ર
શિક્ષકો પૂરા પાડવા ગ્રા.પં. ઉપસરપંચ સુરેશ મારવાડા દ્વારા માંગ કરાઈ હતી. સરકાર તરફથી
ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે એમ.બી.બી.એસ. તબીબ ફરજ બજાવી રહ્યા છે,
પરંતુ ગાયનેક તબીબની સેવાઓ ઉપલબ્ધ ન હોવાથી 70 કિ.મી. દૂર ભુજ સુધી જવું પડતું હોવાની ફરિયાદ કરાઈ
હતી તેમજ હયાત આરોગ્ય સવલત સહિત હાલની ઓપીડી નજરે તબીબની સંખ્યામાં વધારો કરવા અને
સેવાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ હતી. વિસ્તારના હિસાબે રોજના 300થી વધુ ઓપીડી કેસ નોંધાતા હોવાનું તેમજ દસ માસે 200થી વધુ પ્રસૂતિના પ્રસંગ ઉપસ્થિત થતા હોવાનું જણાવ્યું
હતું. તબીબના અભાવે આર્થિક અને આરોગ્ય વિષયક પ્રશ્નોનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત
સહ તાત્કાલિક ધોરણે સવલત પ્રાપ્ત કરાવવા માંગ કરાઈ હતી.