ગાંધીધામ, તા. 7 : ગાંધીધામમાં
ત્રણ ઇંચ વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોડિયા શહેરોના લગભગ
માર્ગો જળમગ્ન હોવાથી ખાડાઓનાં કારણે અનેક અકસ્માતો સર્જાયા હતા. અનેક વાહનો ફસાયાં
હતાં, લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ભરાયાં હતાં, જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાઓના
અભાવે સ્થિતિ ગંભીર બની હતી. વહીવટી તંત્રની નિષ્ફળતાનું પરિણામ લોકોને ભોગવવું પડે
છે, જેના પગલે તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગાંધીધામ સંકુલમાં રવિવારની રાત્રિથી લઈને સવાર સુધી લગભગ એક ઇંચ વરસાદ પડયો હતો. સોમવારે
સવારે 10 વાગ્યા સુધીમાં વધુ બે ઇંચ વરસાદ
પડયો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં. લોકોનાં ઘરોમાં ગટરનાં
દૂષિત પાણી ભરાયાં હતાં. અનેક જગ્યાએ વાહનો ફસાયાં હતાં, ભારતનગર સહિતના વિસ્તારોમાં તો બાળકોને સ્કૂલે જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો
કરવો પડયો હતો, સ્કૂલ વાહનો ફસાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી
ભરાવાથી ઘરવખરીનો સામાન પલળી ગયો હતો. ચાવલા ચોક સહિતના વિસ્તારોમાં તો રીતસર નદી વહી
રહી હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદી નાળાંઓની સફાઈ થઈ હોવાનો દાવો કરવામાં
આવી રહ્યો છે, તે વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે, નાળાંઓમાંથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આદિપુર ઘોડાચોકી પાસેના નાળાંની સફાઈ
ન થઈ હોવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ
ગયું હતું. પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર થઈ નહીં, જેના કારણે આ
ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગાંધીધામમાં ભારતનગર, સુંદરપુરી,
મહેશ્વરીનગર, ગણેશનગર, ખોડિયારનગર,
9/બી, સેક્ટર વિસ્તાર, સિટી વિસ્તારમાં સાઉથ અને નોર્થ, જૂની કોર્ટ,
શક્તિનગર પાણીના ટાંકા ચાર રસ્તા, લીલાશાનગર,
આદિપુરમાં રામબાગ રોડ, 4-બી
સહિતના વિસ્તારોમાં વ્યાપક પાણી ભરાયાં હતાં. માર્ગો જળમગ્ન હતા. અનેક વાહનો ફસાયાં
હતાં અને પાણીમાં વાહનો બંધ પડી જતાં ચાલકો પોતાનાં વાહનો દોરીને જઈ રહ્યા હતા. લોકોને
વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મહાનગરપાલિકા બન્યા પછી શહેરની આ સૌથી જટિલ
પાણી નિકાલની વ્યવસ્થાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર હતી. તત્કાલીન કમિશનર મિતેશ પંડયા એ
26મી જાન્યુઆરીએ ઝંડાચોકમાં પોતાનાં વકતવ્યમાં પણ પાણી
નિકાલની વ્યવસ્થાઓની વાત કરી હતી, પરંતુ ત્યાર પછી કોઈ કામગીરી થઈ નથી,
એટલે આવી સ્થિતિ ઊભી થઈ છે. નગરપાલિકા સમયે માર્ગો બનાવવામાં ગંભીર બેદરકારી
દાખવવામાં આવી છે, જેના પગલે આંતરિક વિસ્તારોનું પાણી ભરાયેલું
રહે છે. તત્કાલીન સમયના એન્જિનીયરોએ કોઈ ધ્યાન આપ્યું નથી, તેનું
પરિણામ હાલ લોકો ભોગવી રહ્યા છે. હજી ચોમાસાંનો ઘણો સમય બાકી છે, તેવામાં કમિશનર પાણી નિકાલની વ્યવસ્થાઓ ઊભી કરવાની દિશામાં પગલાં ભરે તે જરૂરી
છે.