• બુધવાર, 08 મે, 2024

કચ્છી સમાજનું હામી બનતું કચ્છી જૈન ફાઉન્ડેશન

જયદીપ જોશી દ્વારા : ભુજ, તા. 26 : સેવાના ક્ષેત્રમાં જોડાઈને બૃહદ કચ્છમાં વસવા છતાં સમાજને આવાસ બનાવી આપવા તથા આવાસ ખરીદવા માટે વિના વ્યાજની લોન આપવી અને આરોગ્યલક્ષી આર્થિક સહાય થકી કચ્છના લોકોના હામી બનવાના ઈરાદા સાથે છેલ્લા 18 વર્ષથી કાર્યરત સંસ્થા કચ્છી જૈન ફાઉન્ડેશનના પ્રમુખ જયાબેન વિશનજી મારૂ (બિદડા) સાથે વાત કરતાં તેમણે માનવસેવા, પર્યાવરણના જતન સહિતની સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડયો હતો. - કચ્છી જૈન ફાઉન્ડેશનની સ્થાપના વિશે જણાવશો ? : મુંબઈ વસતા જૈન સમાજના અગ્રણીઓને 18 વર્ષ અગાઉ વિચાર આવ્યો કે, કચ્છી સમાજ માટે, કચ્છના નબળા વર્ગના લોકો કે જે પેટિયું રળવા બૃહદ કચ્છમાં સ્થાયી થયા છે તેમની વહારે આવવા કશુંક કરવું જોઈએ. બસ, વિચારને વધાવી અમલ માટે બેઠકોનો દોર શરૂ થયો અને સમાજના દાતાઓ આગળ આવ્યા. રીતે લોકોની સેવાના યજ્ઞમાં આહુતિ સમાન ફાઉન્ડેશનનો મુંબઈના સાયન વિસ્તારમાં 13-9-2006ના પાયો નખાયો. - ઉમદા વિચારને પ્રેરણાબળ આપવામાં આપની ભૂમિકા અંગે કહેશો ?  ; કોઈપણ સારા વિચારને આવકાર આપવો રહ્યો. તેથી ફાઉન્ડેશન રચીને દાતાઓ તથા સંસ્થાઓનો સહયોગ મેળવવાની પહેલ કરી અને સમાજે તેને વધાવી લીધી. પછી તો લોગ જુડતે ગયે ઔર કારવાં બનતા ગયા.... - કચ્છી સમાજ માટે કયા પ્રકારની પ્રવૃત્તિ પર પ્રકાશ પાડશો ? : મુખ્યત્વે કચ્છી સમાજના આર્થિક રીતે નબળા પરિવારો માટે કશુંક કરવાનો અમારો મુખ્ય હેતુ છે, જેના માટે પહેલાં તો આવા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાઓ તૈયાર કરી. મુંબઈમાં કચ્છી જૈન આવાસ યોજના અને જયા મારૂ સ્વમાન આવાસી યોજના અમલી બનાવી 2000 મકાન બાંધી આપ્યા. તે સિવાય કોઈને ઘર ખરીદવું હોય તો 15 લાખ સુધીની વિના વ્યાજની લોન આપવામાં આવે છે, જે 100 મહિનામાં પૂર્ણ?કરવાની રહે છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિ એકાદ હપ્તો ભરી શકે તો તે માફ કરી આપવામાં આવે છે. અત્યાર સુધી 65 કરોડ રૂપિયાની લોન અપાઈ છે. તે ઉપરાંત ડોમ્બીવલી, નાલાસોપારા સહિત જુદી-જુદી જગ્યાએ ઉપાશ્રય-દેરાસર, સાધુ-સાધ્વીજીઓ માટે વૈયાવચ્ચ સહિતનું નિર્માણ પણ કરાયું છે. - અન્ય પ્રવૃત્તિ અંગે જણાવશો ? : સંસ્થા માત્ર મકાન બાંધવા પૂરતી સીમિત નથી રહી, પણ આરોગ્યલક્ષી સેવાઓ પણ સમયાંતરે થતી રહે છે, જેમાં આરોગ્ય તપાસ, હૃદયરોગ અને કિડની જેવા ગંભીર રોગોમાં સપડાયેલા લોકોના ઓપરેશન, જુદી-જુદી હોસ્પિટલોના સહયોગથી બીમાર વ્યક્તિઓની સારવાર પણ કરાય છે. - પર્યાવરણ, શિક્ષણને લગતી પ્રવત્તિઓ અંગે જણાવશો ? : હાલના સમયમાં જળ-વાયુ પરિવર્તનથી પર્યાવરણમાં મોટા ગાબડાં પડયાં છે, તેથી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા, તેનું જતન કરવું, જળસંચય માટે તળાવો ઊંડા કરાવવા જેવાં કાર્યો કરીને કુદરતના સંવર્ધનમાં યોગદાન આપીએ છીએ. - કચ્છમાં થતા સેવાકાર્યો અંગે વાત કરશો? : મુખ્યત્વે તો મુંબઈમાં સેવાકાર્યો હાથ ધરાતા હોય છે, પણ કચ્છમાં ગ્લોબલ કચ્છ સંસ્થા સાથે મળીને કચ્છના તળાવો ઊંડા કરવાની સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટમાં પણ સમયાંતરે સહયોગ અપાતો હોય છે. તે ઉપરાંત બિદડા ગામની 26 સંસ્થા સાથે પણ સકંળાયેલા છીએ. હાલમાં ભદ્રેશ્વરમાં 2000 વૃક્ષનું વાવેતર કરાયું છે, જેમાં 1000 વૃક્ષનું ચાર વર્ષ સુધી જતન કરવાનું પણ નિર્ધાર્યું છે. સિવાય જ્યારે પણ કચ્છની સંસ્થાઓને જરૂર પડે ત્યારે સહયોગ અપાતો હોય છે. ઉપરાંત કચ્છમાં જયા મારૂ જેવાયએફ કલ્યાણમિત્ર યોજના હેઠળ જેવાયએફને 1 કરોડનું ફંડ આપી કચ્છમાં વસતા સમાજના 60 વર્ષથી ઉપરની વયના વડીલોને આર્થિક સહાય અપાય છે, જેનો 127થી વધુ પરિવારે લાભ લીધો છે. - ભવિષ્યનના અયેજનો શું છે ? : આમ તો સેવા કરવા માટે કોઈ આયોજનની જરૂર નથી રહેતી, પણ તેમ છતાં આગામી સમયમાં કચ્છી સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ અને આવાસ યોજનાઓના વિસ્તરણ અંગે વિચારણા ચાલી રહી છે. - ટ્રસ્ટી મંડળ, દાતાઓ અને સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ વિશે જણાવશો ? : આમ તો મુંબઈમાં મહાજન સમાજને વડો મહાજન પરિવાર તરીકે ઓળખાય છે, જેમાં વિવિધ યોજનાઓ અને કવીઓ સહિતની સંસ્થાનો સમાવેશ થાય છે, પણ કચ્છી જૈન ફાઉન્ડેશનની વાત કરું તો માર્ગદર્શક બિપિન અમરચંદ ગાલા, ઉપપ્રમુખ શાંતિલાલ ડુંગરશી મારુ (ડેપા) ઉપરાંત અન્ય કચ્છી સમાજના અગ્રણીઓ સહિતના ટ્રસ્ટીગણ અને મેનેજિંગ કમિટી કાર્યરત છે, જેમાં 8-10 વકીલો, પંદરેક જેટલા સીએ, વેપારીઓ ઉપરાંત અનેક યુવાનો અમારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તથા સ્વેચ્છાએ દાન આપનારો વર્ગ પણ ખૂબ મોટો છે. - નવી પેઢીને સેવાના યજ્ઞમાં આગળ વધવા શો સંદેશ આપશો ? : સેવાનું કામ એવું છે કે, જેમાં તમામ લોકોને જોડાવાની ઈચ્છા હોય છે, પણ કોઈક શારીરિક રીતે તો કોઈક આર્થિક રીતે સેવા કરે છે. આજની યુવાપેઢી પણ ગરીબોના ઉદ્ધાર માટે, નબળા વર્ગની સહાય માટે તત્પર રહે છે, તેમ છતાં હજુ પણ વધુ યુવાવર્ગ?સેવાના યજ્ઞમાં જોડાઈને આહુતિ આપે તો માનવસેવાનું કાર્ય દીપી ઊઠે તેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang