• રવિવાર, 19 મે, 2024

હરિયાણામાં ભાજપ સરકાર સામે સંકટ

ચંડીગઢ, તા. 7 : લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણા સરકારમાં સામેલ ત્રણ અપક્ષ ઉમેદવારે ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું લઇ કોંગ્રેસને આપવાની ઘોષણા કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમી આવી હતી. સામબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધર્મપાલ ગોંદરે મંગળવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદરસિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ઉદયભાનની હાજરી રોહતકમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. ઘટનાક્રમ બાદ હરિયાણામાં નાયબસિંહ સૈનીની સરકાર સામે આંકડાઓનું સંકટ આવી ગયું છે. સરકાર હવે અલ્પ મતમાં આવી ગઇ છે. ઉદયભાને કહ્યું હતું કે, 90 બેઠકવાળી હરિયાણા વિધાનસભામાં હાલમાં 88 ધારાસભ્ય છે. બહુમત માટે 45 ધારાસભ્ય જોઇએ, જ્યારે ભાજપ સરકાર પાસે માત્ર 40 સભ્ય છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકારને પહેલાં જેજેપી અને અપક્ષ ધારાસભ્યનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ અગાઉ ટેકો  પાછો લઇ લીધો અને  હવે અપક્ષો પણ પોતાનું સમર્થન પાછું લઇ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૈની સરકાર હવે લઘુમતીમાં આવી ગઇ છે. સૈનીએ રાજીનામું આપી દેવું જોઇએ કારણ કે, હવે એમને એક મિનિટ પણ પદ પર રહેવાનો અધિકાર નથી. હવે વિધાનસભા ચૂંટણી તરત થવી જોઇએ, હુડ્ડાએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી દાવો કર્યો હતો કે, ભાજપ સરકાર નિશ્ચિત આંકડાઓની નીચે આવી ચૂકી છે. ધર્મપાલ ગોંદરે જણાવ્યું હતું કે તેઓએ ભાજપનું સમર્થન છોડવાનો નિર્ણય કિસાનો સાથે સંકળાયેલા મુદ્દાઓ સહિત અન્ય મુદ્દા પરથી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠક છે, તેથી બહુમત માટે 46 ધારાસભ્યથી સરકાર બની શકે, પણ રાજ્યમાં હાલે બે બેઠક ખાલી હોવાથી બહુમતીની સંખ્યા 45 છે. ભાજપ પાસે 40 પોતાના ધારાસભ્ય છે. બે અપક્ષ અને એક હરિયાણા લોકહિત પાર્ટી ભાજપની સમર્થક હોવાથી કુલ 43 સભ્યનું સમર્થન છે. બીજી તરફ કોંગ્રેસ પાસે 30 ધારાસભ્ય છે, જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યે કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે. જેજેપી પાસે 10 સભ્ય છે, એક ધારાસભ્ય આઇએનએલડીનો અને એક અપક્ષ છે, સૂત્રો મુજબ પણ કોંગ્રેસને સમર્થન આપી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang