• રવિવાર, 19 મે, 2024

ભુજમાં પોલીસ-મતદારો વચ્ચે રકઝક

ભુજ, તા. 7 : ગુજરાતમાં લોકસભાના સાતમા તબક્કાના યોજાઈ રહેલા મતદાન વચ્ચે શહેરમાં મોબાઈલના ઉપયોગ મુદ્દે પોલીસ અને મતદારો વચ્ચે રકઝક ઝરી હતી, તો શહેરની આર.ટી.. રિલોકેશન સાઈટ ખાતે શાળામાં ચાલતાં મતદાન દરમ્યાન સિનિયર સિટીઝનોને મતદાનમાં અગ્રતા આપવાની બાબતે પોલીસના સખ્તાઈભર્યા વલણ થકી એક તબક્કે ઉગ્ર વાતાવરણ બન્યું હતું, સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ `મીડિયા'માં વાયરલ થતાં ઉચ્ચ કક્ષાએ પૂછાણા લેવાયા હોવાના હેવાલ સાંપડયા છે. શહેરમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમ્યાન શહેરના જુદા-જુદા બૂથ પર મતદાન મથકે મોબાઈલ લઈ જવા મુદ્દે પોલીસ અને મતદારો વચ્ચે રકઝક ઝરી હતી અને કેટલીક જગ્યાએ મતદાન અર્થે લાઈનમાં ઊભેલા મતદારો દ્વારા મોબાઈલ પર થતી વાતચીત તેમજ મતદાન મથકોના સંકુલમાં ફોન લઈ આવવા બાબતેના નિયમો સંબંધે પોલીસ દ્વારા મતદારો સાથે સખ્તાઈભર્યું વલણ અપનાવાતા માથાકૂટ થઈ હતી. શહેરની આર.ટી.. સાઈટ ખાતે આવેલી શાળામાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, તે દરમ્યાન મતદારોની લાઈનો લાગી ગઈ હતી, સમય દરમ્યાન સિનિયર સિટીઝનોની સંખ્યા પણ વધી જવાથી અન્ય મતદારોને લાંબો સમય ઊભવું પડયું હતું. દરમ્યાન પોલીસ અધિકારી આવી પહોંચતાં શરૂઆતમાં તો તેમણે સિનિયર સિટીઝનો માટે બાંકડાની વ્યવસ્થા કરાવી ક્રમાનુસાર તેમને બોલાવવા સૂચના આપી હતી, પરંતુ થોડા સમય બાદ કેટલાક વડીલો મતદાન કુટિર નજીક એકસાથે ઊભી જતાં અધિકારીનો પીત્તો ગયો હતો અને એક તબક્કે   ઉમેદવારના પોલિંગ એજન્ટ અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર વાતાવરણ બન્યું હતું. તો આજ સંકુલમાં મતદાન અર્થે ઊભેલા મતદારો મોબાઈલ પર વાતચીત કરતા હોવાથી ફરી અધિકારી વિફરતાં મતદારો સાથે ઘર્ષણ થયું હતું અને તેના રોષભેર સહિતનો વીડિયો સોશિયલ `મીડિયા'માં વાયરલ થતાં દિલ્હીથી રાજ્યકક્ષા અને ત્યાંથી છેક સ્થાનિક અધિકારીઓના ઉચ્ચ કક્ષાએથી પૂછાણા લેવાયાના હેવાલ મળ્યા છે. બીજીબાજુ શહેરની રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે પણ મોબાઈલ સાથે લઈ જવાના નિયમ મુદ્દે પોલીસ અને મતદારો વચ્ચે રકઝક ઝરી હતી. મતદાન મથકે મતદારોને મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાથી મથક ખાતે મોબાઈલ રાખવા એક ખોખાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મોબાઈલ ભેગા થઈ જવાથી મતદારોને પોતાના મોબાઈલ ગોતવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાની ફરિયાદો ઊઠી હતી, તો કેટલાક મતદારોએ મોબાઈલની સલામતી જોખમાવાની ભીતિ વ્યક્ત કરી મોબાઈલ બંધ કરી ખિસ્સામાં રાખવાની માંગ કરતાં પોલીસે સખત વલણ અપનાવ્યું હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.જો કે, બીજી તરફ મતદાન દરમ્યાન પોલીસનું નરમ વલણ પણ જોવા મળ્યું હતું, જેમાં મતદાન અર્થે આવતા મોટી ઉંમરના અથવા તો અશક્ત મતદારોને મથકના ગેટથી મતદાન કુટિર સુધી લઈ આવતા નજરે પડયા હતા. ઉપરાંત ભુજ શહેરમાં પરંપરાગત સંવેદનશીલ બૂથ મથકો પર પોલીસની સાથે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો મશીનગન સાથે દેખાયા હતા. જો કે, ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ સામે આવ્યા નથી, તો એલઆઈબીના જવાબદારો પણ સિવિલ ડ્રેસમાં ઠેકઠેકાણે પરિસ્થિતિ પર ચાંપતી નજર સાથે દેખાયા હતા. દરમ્યાન શહેરમાં કોઈપણ બૂથ મથકે વાદ-વિવાદ કે બોલાચાલીના બનાવ સામે આવ્યેથી તુરંત ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો તે બૂથ પર પહોંચી પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang