• રવિવાર, 19 મે, 2024

ચૂંટણી પંચની વિશ્વસનીયતા ઓછી : ખડગે

નવી દિલ્હી, તા. 7 : કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા)નાં સાથી પક્ષોના  નેતાઓને પત્ર લખીને ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતાં. ખડગેએ પત્રમાં કહ્યું છે કે, ચૂંટણી પંચની વિશ્વસનીયતા અત્યંત ઓછી છે. તેમણે બંધારણની રક્ષા માટે ઈન્ડિયા મોરચાનાં નેતાઓને વિસંગતીઓ સામે અવાજ ઉઠાવવા માટે આગ્રહ પણ કર્યો છે. તો તૃણમૂલ કોંગ્રેસને હજી પણ પહેલા અને બીજા તબક્કાનાં મતદાનનાં આંકડાઓ સામે શંકા છે.  ખડગેએ આજે પોતાનાં પત્રમાં કહ્યું છે કે, આપણે ભારતનાં ચૂંટણી પંચની  સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેને જવાબદાર બનાવવું જોઈએ. ઈન્ડિયા ગઠબંધન તરીકે લોકતંત્રની રક્ષા કરવા અને પંચની સ્વતંત્ર કાર્યપ્રણાલીનું રક્ષણ  કરવા સામૂહિક પ્રયત્નો થવા જોઈએ. ઉપરોક્ત તમામ તથ્યો એવો સવાલ કરવા મજબૂર કરે છે કે, શું અંતિમ પરિણામોમાં ગડબડ કરવાનો પ્રયાસ તો નથી? પહેલા બે તબક્કાનાં મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ગભરાયેલા હોવાનું બધા જાણે છે ત્યારે કોઈપણ વિસંગતતા સામે ગઠબંધને અવાજ ઉઠાવવો જોઈએ. દરમિયાન લોકસભા ચૂંટણીનાં પહેલા અને બીજા તબક્કામાં મતદાનનાં આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા મતદાનનાં કેટલાક દિવસો પછી અપડેટ કરવામાં આવ્યા હતાં. જેની સામે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સવાલો ઉઠાવ્યા હતાં અને હવે તૃણમૂલ કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સમક્ષ પ્રત્યેક લોકસભા ક્ષેત્રની મતની ટકાવારી જાહેર કરવા માગ ઉઠાવી છે. ઉપરાંત મતદાનનાં આંકડાઓ જાહેર કરવામાં વિલંબ થવા સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang