• બુધવાર, 08 મે, 2024

ભુજમાં સહિયારા પ્રયાસે જૂના કૂવાને પુન: જીવિત કરાયો

ભુજ, તા. 26 : એક તરફ ભુજના જળસ્રોતો અસ્તિત્વ ગુમાવી રહ્યા છે, ત્યારે શહેરના બાપાદયાળુનગરના રહેવાસીઓએ પાણીના સ્રોતને બચાવવા સહિયારા પ્રયાસ કરીને વિસ્તારમાં આવેલા જૂના કૂવાને સાફ કરી જીવંત કર્યો હોવાનો સકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. એક સમયે ભુજમાં 80થી વધારે તળાવો હતા, જેમાંથી આજે માત્ર 30 તળાવ શેષ રહ્યા છે, ત્યારે જાગૃત નાગરિકો બચેલા તળાવોને સંરક્ષિત કરવા માટે તંત્ર સાથે પ્રક્રિયા કરી રહ્યા છે, ત્યારે પાંજરાપોળ તળાવ પાસે આવેલા કૂવાને પુન: જીવિત કરાયો હતો. એક સમયે જ્યારે પાંજરાપોળ તળાવ પર દબાણની ભીતિ સેવાઇ હતી ત્યારે ખડેપગે તળાવના રક્ષણ માટે વિસ્તારની મહિલાઓએ આગેવાની લીધી હતી. એવા આગેવાનો અને વિસ્તાર સમિતિના સક્રિય સભ્યો ફાતમાબેન જત, કોરસાંબેન, મંજુલાબેન ગોર, રસિલાબેન, શકિનાબેન તેમજ ગુલામશા સૌએ કૂવાને પૂર્વવત કરવા જવાબદારી ઉઠાવી સમિતિના સભ્યોએ સ્થાનિક રહેવાસીઓ સાથે સંકલન કરી લોકફાળો એકત્ર કર્યો, ભુજમાં કાર્યરત સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ હોમ્સ ઇન સિટી તરફથી આર્થિક સહયોગ મળ્યો અને અર્બન સેતુની ટીમનાં માર્ગદર્શન સાથે કૂવામાંથી મોટી માત્રામાં કાદવ અને ગારો કાઢી કૂવાને પુન: જીવિત કરાયો હતો. વોર્ડના નગરસેવક કાસમભાઈ કુંભારે સ્થળ મુલાકાત કરી આસપાસના વિસ્તારની સફાઈ પણ કરાવી હતી. વિસ્તારના અગ્રણી ફાતમાબેને જણાવ્યું કે, `અમારા વિસ્તારમાં પીવાનાં પાણી અને કપડાં ધોવા માટેનાં પાણીની અછતને કારણે બહેનો છેક હમીરસર સુધી કપડાં ધોવા જતી, પરંતુ હવે કૂવાની સફાઇ થઈ છે તો કમ સે કમ મહિલાઓને પાણી માટે ભટકવું તો નહીં પડે !' કૂવા સફાઇ દરમ્યાન કૂવામાંથી જૂના વાસણો નીકળ્યા હતા, જેને ભંગારમાં વેચીને ઉપજેલા 1500 રૂપિયા સ્થાનિકોએ લોકફાળામાં ઉમેરીને સફાઈકામ માટે આપ્યા હતા. જો ભુજનો દરેક નાગરિક આવી રીતે પોતાના વિસ્તારના જળસ્રોતોના સંરક્ષણની જવાબદારી લે તો આવનારા સમયમાં પાણીની કટોકટીમાં આવા સ્રોતો જીવાદોરી સમાન બની રહેશે, તેવું સમિતિના સભ્યો અને સ્થાનિકોએ યાદીમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang