• મંગળવાર, 07 મે, 2024

વાગડ, રણકાંધી સહિત કચ્છ તપે છે

ભુજ, તા. 25 : અડધો અડધ ચૈત્ર માસ વીતી ચૂક્યો છે, હજુ વસમો વૈશાખ અને જલદ જેઠ તો બાકી છે ત્યારે રણપ્રદેશ કચ્છનું જનજીવન તીવ્ર તાપથી ત્રાહિમામ થઇ?ઉઠયું છે. કચ્છના ગામ-શહેર હવામાન મથકો પરથી મળતા આંકડાનેય આંબી જાય તેવા ઉકળાટમાં અકળાઇ રહ્યા છે. હવામાન તંત્ર પારો 42 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી ચૂક્યું છે. જિલ્લામથક ભુજમાં ગુરુવારે 39 ડિગ્રી સેલ્સિયશ તાપમાન સાથે કલાકના 12 કિ.મી.ની ગતિવાળા દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનોમાં ચૈતરિયા તાપનો ડંખ વર્તાયો હતો. લોકો સાંજ ઢળવાની આતુરતાભેર રાહ જોઇને માંડ માંડ?દિવસ પસાર કરી રહ્યા છે. રાપરમાં 37 અને ખાવડામાં 36 ડિગ્રી સાથે વાગડ પંથક અને રણકાંધીના સીમાવર્તી ગામડાં તપ્યાં હતાં. ખુલ્લામાં પેટિયું રળવાની લાચારી વેઠતા શ્રમજીવી વર્ગની તાપમાં તપતાં દશા દયનીય બની હતી. છાશ-પાણીના પરબની સમયસરની સમાજસેવાએ આવા વર્ગને રાહત આપી હતી. બળબળતા બપોરે વીજ વિક્ષેપ વસમો બની જાય છે, તો પાણીની અછત ઉકળાટની અકળામણમાં અણગમતો ઉમેરો કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang