• રવિવાર, 19 મે, 2024

સૂર્યકુમારના બેટથી મુંબઇને મળી જીત

મુંબઇ, તા. 6 : પ્લેઓફની દોડમાંથી ફેંકાઇ ગયેલી મુંબઇ ઇન્ડિયન્સે સતત ચાર હાર બાદ સૂર્યકુમાર યાદવની સદીના બળે જીતનો સ્વાદ ચાખ્યો હતો. પાંચ વખતની ચેમ્પિયન મુંબઇએ સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હાર આપી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 173 રન બનાવ્યા હતા. મુંબઇએ 17.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સના બંને ઓપનર ઇશાન કિશન (9) અને રોહિત શર્મા (4) જલ્દી આઉટ થયા હતા. નમન ધીર (0) પણ 31 રનના કુલ જુમલે વિદાય થયા બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ બાજી સંભાળી હતી. સૂર્યકુમારે હૈદરાબાદના બોલરો સામે ખભા ઊંચકતાં 51 દડામાં 12 ચોગ્ગા, છગ્ગાના વરસાદ સાથે અણનમ 102 રન ઝૂડતાં પ્રશંસકોને ખુશ કર્યા હતા. સૂર્યકુમારને સાથ આપનારા તિલક વર્માએ પણ 32 દડામાં અણનમ 37 રન બનાવ્યા હતા. હૈદરાબાદના ભુવનેશ્વર કુમાર, મેક્રો જાનસન અને પેટ કમિન્સને એક-એક વિકેટ મળી હતી. આઇપીએલ-2024 સિઝનના પ્લેઓફમાં પહોંચવાની રેસ કસોકસની બની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા બાકીની મેચમાં જીત જરૂરી છે. ત્યારે આજની મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં સનરાઇઝર્સના 20 ઓવરના અંતે આઠ વિકેટે 173 રન થયા હતા. આખરી ઓવરમાં કપ્તાન પેટ કમિન્સે ફટકાબાજી કરીને સનરાઇઝર્સને 173 રનના પડકારરૂપ સ્કોર પર પહોંચાડયું હતું. કમિન્સ 17 દડામાં બે ચોગ્ગા અને બે છગ્ગાથી 3 રને નોટઆઉટ રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કપ્તાન હાર્દિક પંડયા અને અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. હૈદરાબાદની ઇનિંગ્સ ધમાકેદાર અંદાજમાં થઇ હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પાવરપ્લે હિટિંગના બદલે સંભાળપૂર્વક બેટિંગ કરી હતી. બંને વચ્ચે પહેલી વિકેટમાં 37 દડામાં 6 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. અભિષેક 11 રને બૂમરાહનો શિકાર બન્યો હતો. ટ્રેવિસ હેડે 30 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગાથી સૌથી વધુ 48 રન કર્યા હતા. મયંક અગ્રવાલની વાપસી સફળ રહી હતી, તે પાંચ રન કરી શક્યો હતો. નીતિશ રેડ્ડીએ 20 અને સ્ટાર હેનરિક ક્લાસેને બે રન કર્યા હતા. યાનસન સાત, શાહબાઝ 10 અને અબ્દુલ સમદ ત્રણ રને આઉટ થયા હતા. મુંબઈની જોડી હાર્દિક-પીયૂષ સામે હૈદરાબાદના મિડલ ઓર્ડરનો ધબડકો થયો હતો. અંતમાં કમિન્સે સનવીર સિંઘ (અણનમ આઠ) સાથે મળીને નવમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 19 દડામાં 37 રનનો ઉમરો કર્યો હતો. આથી મુંબઇ સામે 174 રનનો વિજય લક્ષ્યાંક મૂકવામાં હૈદરાબાદને સફળતા મળી હતી. મુંબઇ તરફથી બુમરાહ, નવોદિત બોલર અંશૂલ કમ્બોજને એક-એક વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang