• રવિવાર, 19 મે, 2024

સિદ્ધાંત સજીવન મંડળ સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની તડામાર તૈયારી

મહેશ સોની દ્વારામાધાપર (તા. ભુજ), તા. 6 : અહીંના સિદ્ધાંત સજીવન મંડળ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મુક્તજીવન સ્વામી-બાપાના સ્વહસ્તે કરાઇ હતી, જેને 75 વર્ષ પૂર્ણ થતાં આગામી 11થી 14 મે દરમ્યાન અમૃત મહોત્સવની થનારી ઉજવણીની વિવિધ સમિતિ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, અબજીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય મુક્તજીવન  સ્વામીબાપાને પ્રસન્ન કરવા અહીંના સિદ્ધાંત સજીવન મંડળ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઇ હતી, તેને 75 વર્ષ પૂર્ણ થયાં છે. તેની ઉજવણી પૂ. આચાર્ય પુરુષોત્તમદાસજીના આશીર્વાદ સાથે પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને કરાશે, તેવું સંસ્થાના કીર્તિભાઇ વરસાણીએ જણાવ્યું હતું. અમૃત મહોત્સવે એમ.એસ.વી. હાઇસ્કૂલનાં ગ્રાઉન્ડ પર વિશાળ ડોમ, જેમાં ઠંડા પાણીના ફુંવારા, લાઇટિંગ સ્ટેજ, રાત્રિના વિવિધ કાર્યક્રમ યોજાશે. પ્રસંગે રહસ્યાર્થ પ્રદિપિકા ટીકાસહ વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તથા અબજીબાપા વાતોની સમૂહ પારાયણ વંચાશે. તા. 11-5ના સવારે ઠાકોરજીની પૂજા, પારાયણ, રાત્રે કચ્છ તથા મુંબઇના કલાકારો અને સાજિંદાઓ કીર્તિ વરસાણીના નિદર્શન હેઠળ ભક્તિ સંગીત કાર્યક્રમમાં કચ્છમાં પ્રથમવાર 20 વાયોલીન પ્લેયર, 40 બ્રાશ પ્લેયર સાથે 50 જેટલા કલાકારોનો કાફલો કાર્યક્રમ રજૂ કરશે, જેની રિહર્સલ આસિસ્ટન્ટ જય રાઠોડ સંભાળી રહ્યા છે. તા. 12-5ના પારાયણ તથા રાત્રે રાસોત્સવ, તા. 13-5ના નગરયાત્રા માધાપર સરકારી દવાખાના સામેથી નીકળી એમ.એસ.વી. હાઇસ્કૂલ પાસે વિરામ લેશે. જેમાં જબલપુરના  શ્યામ બ્રાશ બેન્ડ મુખ્ય આકર્ષણ તથા ગામો ગામની રાસમંડળી, બહેનોના સામૈયા, મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ, મણિનગર કલાકૃતિ સંતોએ બનાવેલા રથ પર ઘનશ્યામ મહારાજ, અબજીબાપા, સ્વામીબાપા બિરાજમાન થશે. રાત્રે સંગીત કાર્યક્રમ સૌરભ રાજગુરુ દ્વારા રજૂ થશે તથા ભીખુદાન ગઢવીનો લોકડાયરો, તા. 14-5ના પાટોત્સવ વિધિ, અન્નકૂટ, આરતી અને પરમ પૂ. આચાર્ય સ્વામી મહારાજનો આશીર્વાદ-સત્કાર સમારંભ યોજાશે. 75મા અમૃત મહોત્સવના પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ દિવસના યજમાન પદે વેલજીભાઇ જીણાભાઇ ગોરસિયા, પત્ની સામુબેન, પુત્ર લલિતભાઇ, હિતેશભાઇ, પુત્રી જ્યોત્સનાબેન, બીજા દિવસના યજમાન જાદવજી વેલજી વરસાણી, પત્ની વનિતાબેન, પુત્ર કીર્તિભાઇ, દેવેન્દ્રભાઇ રહેશે. માધાપર સિદ્ધાંત સજીવન મંડળ દ્વારા માધાપરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં રમતગમત, શિક્ષણ, જીવદયા મુખ્ય છે. સર્વોદય ગ્રાઉન્ડ ખાતે આધુનિક બેડમિન્ટન ગ્રાઉન્ડ, વોલીબોલ, વાકિંગ માટે સુવિધા ટ્રેક, શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધા પૂરી પાડી છે. ધોરણ 10-12ના સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીને ઇનામો તથા વિદાય સમારંભનું વર્ષોથી આયોજક રહ્યું છે. કોમ્પ્યુટર હોલ, ફિલ્ટર પાણી પ્લાન્ટ, પાટ હનુમાનજી પાસે પ્રવેશદ્વાર, જળસિંચન માટે જળાશયમાં સહયોગ, વૃક્ષારોપણ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન, દુષ્કાળ વખતે પશુધન બચાવવા બે વર્ષ સુધી ઘાસચારો, આમ અનેક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા માધાપર ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું છે. 75મા અમૃત મહોત્સવ પ્રસંગે જાદવજીભાઇ વરસાણીએ જણાવ્યું કે, પટેલ જ્ઞાતિ મંડળ માધાપર, અપના ઘર, ગૌ રક્ષણ સમિતિ, અંધજન મંડળને દાન, લાયન્સ હોસ્પિટલ ભુજને એક ડાયાલિસીસ મશીન રવજી રામજી પિંડોળિયાના સહયોગથી અપાશે. માનવ જ્યોત સંસ્થા ડીએલએસએસ સ્કૂલ માધાપર વિદ્યાર્થીને સુવિધામાં સહયોગ આપી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અમૃત મહોત્સવ પ્રસંગે ગામે ગામના હરિભક્તો, વિદેશથી યુકે, આફ્રિકા, યુએસએ વસતા હરિભક્તો જોડાશે. કાર્યક્રમને સફળ બનાવવા કાનજી શિવજી પિંડોળિયા, જાદવજી વેલજી વરસાણી, રવજી કરશન પિંડોળિયા, નારણ કરશન પિંડોળિયા, કીર્તિભાઇ વરસાણી, પૂજારી ભાવેશ ઠક્કર, યુવા કમિટી, માસીરામ બાનાં માગદર્શન હેઠળ સંધ્યાબેન વરસાણી, વનીતાબેન પ્રવીણ વેકરિયા, સપનાબેન ઘનશ્યામ પિંડોળિયા જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રસંગે ભક્તિ કીર્તનોનું આલ્બમ બહાર પડશે. `મૂર્તિ સુહાની' જેમાં ખ્યાતનામ ગાયક જાવેદઅલી અજીઝ, એશ્વર્યા મજમુદાર, હરગુન કૌર, અભય જોધપુરકર તથા કચ્છના સ્થાનિક ગાયક વૃંદોએ કંઠ આપ્યા છે. મુક્ત જીવન સ્વામીબાપાએ લખેલા ગીતો જેને કંપોઝ કીર્તિ વરસાણી, મિતેશ પિંડોળિયાએ કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang