• મંગળવાર, 07 મે, 2024

કચ્છમાં લોકસભાની મતદાન પ્રક્રિયા શરૂ

ભુજ, તા. 25 : કચ્છ લોકસભા બેઠક માટે સામાન્ય મતદારોને ભલે 7મી મેના મતદાન કરવાનું છે પરંતુ કચ્છમાં આજથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને 85 વર્ષથી વધુ વય ધરાવતા અને દિવ્યાંગ મતદાતાઓ માટે ચૂંટણીપંચ તરફથી ઘેરબેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી આવા મતદાતાઓના ઘેર જઇ રીતસર પોલિંગ બૂથ ઉભું કરી બેલેટ?પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું. કચ્છમાં 85 વર્ષ ઉપરના અને 40 ટકાથી વધુ દિવ્યાંગ એવા કુલ મળીને 1711 મતદારોએ પોતાના ઘેર મતદાન કરવાનું અગાઉથી સ્વીકારીને ફોર્મ ભર્યા હોવાથી ચૂંટણી તંત્રની ટીમોએ આજથી સામે ચાલીને મતદાન કરાવવા ઘરોઘર પહોંચી ગયા હતા. નાયબ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઇના જણાવ્યા મુજબ કચ્છમાં 85 વર્ષથી વધુ વય ધરાવતા હોય એવા વયોવૃદ્ધ મતદાતાઓની સંખ્યા 1296 છે જ્યારે 415 ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ હોય અને જેમણે પોતે ચાલી શકે તેમ નથી એવા ફોર્મ અગાઉથી ભર્યા છે તેઓને અગાઉથી આજની તારીખ આપવામાં આવી હતી કે ચૂંટણી તંત્રની ટીમો તમારા ઘરે આવશે. દરેક મત વિસ્તાર દીઠ સામાન્ય મતદાનની જેમ આજે પણ રૂટ બનાવવામાં આવ્યા હતા કારણ?કે દરેક મતદાતા અલગ-અલગ ગામોમાં રહેતા હોવાથી મુજબ 107 ટીમ બનાવી મતદાન કરાવવાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. કચ્છ લોકસભાનું મતદાન આજથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. કચ્છના મોરબી સહિત 19.35 લાખ મતદારો નોંધાયેલા છે ત્યારે બાકીના સામાન્ય મતદારો માટે 7મી મેની તારીખ મુકરર કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે જે વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોતાના ફોર્મ ભર્યા હતા તે નિયમ પ્રમાણે મંજૂર કરવામાં આવ્યા હતા. આજે પ્રથમ દિવસે 1197 વયોવૃદ્ધ એટલે કે 85 વર્ષના અશક્ત મતદાતાઓએ પોતાનો મત બંધ કવરમાં પેટીમાં નાખ્યો હતો. જ્યારે 371 દિવ્યાંગ મતદાતાઓએ પણ પોતાના બેલેટ?પેપર ઉપર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રત્યેક ઘરમાં મત કુટિર બનાવવામાં આવી હતી. જાતે ડેક્લેરેશન કરી અને મતદાન માટે પ્રિસાઇડિંગથી માંડી બી.એલ.., ઝોનલ ઓફિસર, પોલીસ, વીડિયોગ્રાફર વગેરેની ટીમ પહોંચી હતી ત્યારે મતદાન કરાવાયું હતું. આજે વયોવૃદ્ધ અને દિવ્યાંગો મળીને કુલ 1568 મતદારે મતદાન કર્યું હતું. દરમ્યાન, કાલે શુક્રવારે પણ પ્રક્રિયા ચાલુ રહેશે એવું જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang