• મંગળવાર, 07 મે, 2024

મનમે ને રણમે વસેંતા હાજીપીર વલી...

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 25 : કચ્છનાં રણવચાળે શ્રદ્ધા અને આસ્થાનો ઘૂઘવાતો સાગર માનવમહેરામણના પ્રવાહથી હિલોળે ચડે ત્યારે કચ્છની કોમી એકતા અને ભાઈચારાની ભાવનાની મિશાલનો નજારો નિહાળવો પણ એક સદનસીબી લ્હાવો છે. નજારો એટલે સેંકડો કિ.મી.નું અંતર પગપાળા કાપી બાબા હાજીપીરની દરગાહે માથું ટેકવવા જતા પદયાત્રીઓ...ગૌમાતાના રક્ષણ માટે શહીદી વહોરી કચ્છની રણકાંધીએ સોદ્રાણાના શહેનશાહ તેમજ કોમી એકતાના પ્રતીક હાજીપીરનો લોકમેળો શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કચ્છ ગુજરાત અને પરપ્રાંતના પદયાત્રીઓનો મોટો પ્રવાહ પાવરપટ્ટીના પંથે આગળ વધતાં હાજીપીરની દરગાહથી વાયા બિબ્બરના ધૂળિયા માર્ગેથી લઈ ભુજના સરપટનાકા વચ્ચેના 90 કિ.મી. માર્ગમાં 35 જેટલા સેવાકેમ્પો રાત-દિવસ ધમધમી રહ્યા છે. બિબ્બરથી ઉત્તરે રણમાં છેક હાજીપીર સુધીના વેરાન પંથકમાં ડગલે-પગલે સેવાભાવી કાર્યકરો પદયાત્રીઓની સેવામાં તલ્લીન બન્યા છે. પદયાત્રીઓની શુશ્રૂષા માટે સુવિધાસભર સેવાકેમ્પના સંચાલકોના કહેવા મુજબ ચાલુ સાલે શાળામાં પરીક્ષાઓ તેમજ રમજાન માસ પણ પૂરો થયા પછી પદયાત્રીઓની સંખ્યા વધી છે. તો વળી ઉનાળા વચ્ચે ભારે ગરમીને લઈ દ્વિચકી, ઓટો રિક્ષા, ટેમ્પા, જેવાં વાહનોની  સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળે છે. મેળાની પૂર્વસંધ્યા સુધી અંદાજે 70થી 75 હજાર પદયાત્રીઓ ચા-નાસ્તો, દવા, ભોજન, મોબાઈલ ચાર્જિંગ જેવી સવલતોનો લાભ લઈ ચૂકયા છે. રુદ્રમાતા પુલ નજીક અંજાર તાલુકાના મથડા - ખોખરાના 40થી 50 જેટલા કાર્યકરોએ વિશાળ શમિયાણા સજીને સેવા કેમ્પ શરૂ કર્યા છે. નોખાણિયા નજીક સતકુંવર દેવના પટ્ટાંગણમાં પંજતન પાક સેવા સમિતિ - અંજારના 40 કાર્યકરો દ્વારા શરૂ કરાયેલા કેમ્પમાં ચા-પાણી, આરોગ્ય સેવા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રસ્તે લેર વાડી પાસે કલોલના કાર્યકરોએ સેવા-સહકાર કેમ્પ ખુલ્લો મૂક્યો છે . ગાંઠિયા- પૌંઆ માટે જાણીતા કેમ્પનું સંચાલન ગુલામલાઈ ઘાંચી, રફીકભાઈ મોમીન અને જલાલભાઈ સેલા કરી રહ્યા છે. ઝુરા નજીક બન્ની પાણી પુરવઠા સંકુલના  વિસ્તારમાં છસરા, મથડા અને લોહારિયાના અનેક કાર્યકરો દ્વારા છેલ્લા 17 વર્ષથી કાર્યરત કેમ્પમાં અનેક સવલતો ઉપલબ્ધ કરાઈ છે. પાલનપુર (બાડી) ગામ નજીક હાજીપીર સેવા સમિતિ મોરબીના કાર્યકરો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતા કેમ્પમાં 32 જણાનો સ્ટાફ સેવા માટે ખડેપગે તૈનાત છે. ફિરોઝભાઈ નેકમામદ તથા મકબુલભાઈ ચાનિયા ધેડાનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત સેવા કેમ્પમાં નસીમબેન શેખ અને કાસમભાઈ ચંગલનો કચ્છી રાસુડાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેંકડો પદયાત્રીઓ જોડાઈ મોટી મંજીલનો થકાન ભુલ્યા હતા. નિરોણાના પાદરમાં સિંચાઈ યોજનાના સંકુલ પાસે ભુજ અને નિરોણાના કાર્યકરો દ્વારા શરૂ કરાયેલા સેવાકેમ્પમાં ભારે ભીડ જોવા મળે છે. ભુજના સલીમભાઈ ખત્રીની દેખરેખ હેઠળ ચાલતા કેમ્પ આગળ અને આસપાસ રાત્રિ દરમ્યાન માણસો અને વાહનોનો ભારે જમાવડો થતાં મેળા જેવો માહોલ જોવા મળે છે. નિરોણા નદીના કાંઠે મોરબીના કાર્યકરો દ્વારા શરૂ કરાયેલો  કેમ્પ લાડવાવાળા કેમ્પ તરીકે જાણીતો બન્યો છે. અહીં દિવસમાં અઢી મણ લાડવા પદયાત્રિકોને પીરસાઈ ચૂક્યા હોવાનું કેમ્પના આયોજકો ઈકબાલ અજમેરી, હુશેનભાઈ અંજારવાળા અને રજાકભાઈ શેખ જણાવે છે, તો અમરગઢથી આગળ બિબ્બર નજીક કચ્છ ગરીબે નવાઝ હાજીપીર સેવા કમિટી ભુજ અને સંજરી ગ્રુપ ઝડકાના સહયોગથી શરૂ કરાયેલો કેમ્પ છેલ્લાં 10 વર્ષોથી ગુજરાતી થાળીના ભાણા માટે જાણીતો બન્યો છે. પદયાત્રીઓની લાંબી-લાંબી કતારો, નાના - મોટા વાહનોનાં ઘોંઘાટથી  મરૂભૂમિના વેરાન પ્રદેશમાં ભારે હલચલ મચી છે. મધ્યાહ્નનો સૂરજ તપે પહેલાં 2  પ્રદેશમાં પદયાત્રીઓ અને સેવા કેમ્પોની મૂલાકાત લીધી ત્યારે થોડા થોડા અંતરે કેમ્પો બપોરે આરામ કરતાં કે ભોજન આરોગતા પદયાત્રીઓથી ભરચક બન્યા હતા. બિબ્બરથી આગળ સૈયદ પીરની દરગાહ પાસે સલેમાન લાખાના આયોજન હેઠળ શરૂ કરાયેલો કેમ્પ પણ જાણીતો બન્યો છે. છેલ્લાં 40 વર્ષોથી અહી શરૂ કરાતા કેમ્પમાં આગળ પાણીના કૂંડ-અવાડા બનાવી પદયાત્રીઓ માટે નાહવાની સગવડ ઊભી કરાઈ છે. યાત્રિકો સ્નાન કરી ઠંડક અનુભવતા જોવા મળ્યા હતા. કડી- મહેસાણાના બૂડાસર ગામના ગફુરભાઈ શેખ, સલીમ બલોચ, સરોજખાન બલોચ સહિતના કાર્યકરોએ મદની સેવા સમિતિ, તો  આગળ મથડા ગામના કાર્યકરો દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો છે. એવી રીતે થાનગઢના સલીમભાઈ મેમણ 8 વર્ષથી સેવા આપે છે. તેમનો કેમ્પ રોટલી માટે જાણીતો છે. અમદાવાદ- સરખેજથી નીકળેલા 65 વર્ષીય સલીમ બાપુ પોતાના કદથી પણ મોટી લીલી ધ્વજા સાથે ડગ માંડતા હતા. વાંકાનેરના વતની ફિરોઝભાઈ હૈદરભાઈ પોતાના શરીરને સવા પાંચ કિલોની સાંકળ અને ગાંધીધામના ઈશાક નૂરમામદ શેખ છેલ્લાં ત્રણ વર્ષોથી 10 કિલોની સાંકળ બાંધી દરગાહે મન્નત પૂરી કરે છે. નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ હરદીપસિંહ પરમારનહી ટીમ માર્ગ પર સતત પેટ્રાલિંગ કરી 2હી છે. - દૂધ ભરેલી હેલ એક નહીં હવે અનેક હાલી... : નિરોણા, તા. 25 : છેલ્લા બે-ત્રણ વર્ષથી મોરબીની એક મહિલા માથે 15 લિટર દૂધની હેલ ભરી હાજીપીરની દરગાહે સલામ ભરવા પગપાળા નીકળ્યાં પછી મહિલાએ મીડિયામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ચાલુ સાલે અહીં પસાર થતાં પદયાત્રીઓમાં માથે દૂધની હેલ ભરી હાજીપીરનાં દર્શનાર્થે જતી બે-થી ત્રણ મહિલાઓ જોવા મળી હતી. પૈકી મહેસાણા જિલ્લાના વિજાપુરથી વાલબાઈ સિંધી નામના મહિલા 12 લિટર દૂધ ભરી હાજીપીરની દરગાહે માનતા પૂરી કરવા નીકળ્યા છે. તેમણે કહ્યું કે, પોતાના પરિવારની માનતા સાથે 12 લિટરની હેલ વલીની દરગાહે પહોંચાડયા પછી તેમાંથી પ્રસાદ વહેંચશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang