• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સમાં મોદી-પુતિનની ગર્જના : અડધી આબાદી અમારી

નવી દિલ્હી, તા. 11 : અમેરિકા સહિત દુનિયાભરની નજર જેના પર મંડાયેલી છે એ બ્રિક્સ શિખર સંમેલન આવતીકાલથી દિલ્હીમાં શરૂ થઈ રહ્યું છે, એ પૂર્વે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન ભારત આવી પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સાથે દ્વિપક્ષી મંત્રણા યોજી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ પણ બ્રિક્સ સમિટમાં જોડાવાના છે. આ શિખર સંમેલનમાં વ્યાપાર માટે સુરક્ષિત રૂટ, મોટા આર્થિક સહયોગ તેમજ સ્થાનિક ચલણના વધુ ઉપયોગ સહિતના મુદ્દા પર ભાર મૂકીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક સંદેશ પણ અપાઈ રહ્યો છે. આ શિખર સંમેલન પહેલાં બ્રિક્સ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ દેશો દુનિયાની અડધી વસ્તી છે. છેલ્લા વર્ષોમાં ગ્લોબલ જીડીપી અઢીગણી વધી છે, તેવામાં બ્રિક્સ દેશોનું સંયુક્ત અર્થતંત્ર સાડા ચારગણું વધ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારત વિકાસનો ભરોસો આપી રહ્યો છે. મોદીએ વ્યાપારના અવરોધો દૂર કરી નેવિગેશનની સ્વતંત્રતા અને નાવિકોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આજે ભારતમાં સ્ટાર્ટઅપ રિવોલ્યુશન થઈ રહ્યું છે. પુતિને પોતાના સંબોધનમાં પશ્ચિમી દેશો ઉપર કટાક્ષ કર્યો હતો અને જી-7ની અર્થવ્યવસ્થા ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, ખબર નહીં તેઓ પોતાને જી-7 શું કામ કહે છે. બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ ત્રીજા દશકમાં જઈ રહ્યું છે, ત્યારે હું બ્રિક્સની બિઝનેસ કાઉન્સિલને કહેવા માગું છું કે શું તેઓ બ્રિક્સ દેશો વચ્ચે ટોપ -10 વેપાર અડચણ હટાવવા ઉપર એક રિપોર્ટ તૈયાર કરી શકે છે ? શું દર વર્ષે 100 બ્રિક્સ સ્ટાર્ટઅપને બીજા બ્રિક્સ માર્કેટમાં આગળ વધાવામાં મદદ કરી શકાશે ? શું બિઝનેસ વચ્ચે એક હજાર નવી ભાગીદારી થઈ શકશે ? આ મામલે દર વર્ષે પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ.મોદીએ આગળ કહ્યું હતું કે, ગ્લોબલ ટ્રેડમાં વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે સમુદ્રી રસ્તા સુરક્ષિત હોય, સપ્લાયના રસ્તા ખુલ્લા રહે અને નાવિકો સુરક્ષિત રહે. આ માટે ભારત નેવિગેશનની આઝાદી અને નાવિકોની સુરક્ષાનું સમર્થન કરે છે. બ્રિક્સ મહિલા ગઠબંધન પણ વિઝનનો મહત્ત્વનો હિસ્સો છે. આ ઉપરાંત બિઝનેસ ફોરમને સંબોધિત કરતા પુતિને કહ્યું હતું કે, બ્રિક્સ મારફતે મુશ્કેલીનો સામનો થઈ શકે તેમ છે. તેઓનું લક્ષ્ય બ્રિક્સ દેશો વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવાનું છે. આજે પશ્ચિમી દેશો નબળા બની રહ્યા છે. બ્રિક્સે જી-7 દેશોને પાછળ છોડયા છે. પુતિને પશ્ચિમી દેશના સમૂહ જી-7ના મહત્વ ઉપર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, આજે બ્રિક્સ દેશો વૈશ્વિક જીડીપીમાં 40 ટકાનું યોગદાન આપે છે. જ્યારે જી-7 દેશ માત્ર 28-29 ટકા આપે છે. તેવામાં પોતાને ગ્રેટ-7 કેમ કહે છે તે સમજાતું નથી. બ્રિક્સ આગળ નીકળી ચૂક્યું હોવાથી જી-7 પોતાનો દબદબો રાખવા ખોટા રસ્તા અપનાવી રહ્યું છે, જેમાં જળમાર્ગોને રોકવા અને સમુદ્રી જહાજોને જપ્ત કરવાની પ્રવૃત્તિ સામેલ છે. પુતિને ઈરાનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, સતત પ્રતિબંધના કારણે ઈરાનનો વેપાર, શિપિંગ અને ગ્લોબલ નેટવર્કની પહોંચ ઉપર નકારાત્મક અસર પડી છે. રશિયા વૈશ્વિક ઊર્જા, ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપવા માટે તૈયાર છે.  બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ભૂરાજકીય અનિશ્ચિતતા, સપ્લાય ચેનમા અડચણ અને રાજનીતિક દબાણ બનાવવા માટે આર્થિક  સાધનોનો વધતો ઉપયોગ વગેરેએ આર્થિક માહોલને વધારે જટિલ બનાવ્યો છે. બીજી તરફ બ્રિક્સની સાચી તાકાત સભ્ય દેશોની અર્થવ્યવસ્થા સુધી સીમિત નથી. આ ક્ષમતાઓને વેપાર, રોકાણ અને સંયુક્ત ભાગીદારી જ્યારે સાથે મળે ત્યારે તાકાત સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમણે બ્રિક્સમાં સ્થાનિક કરન્સીનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. - જિનપિંગ આજે ભારત આવશે : બીજિંગ, તા. 11 :  બ્રિક્સ સમિટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી વાટાઘાટો માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલે ભારત મુલાકાતે આવી રહ્યા છે. ચીને શુક્રવારે કહ્યું હતું કે, બંને દેશોએ મતભેદોને યોગ્ય રીતે સંભાળવા જોઈએ અને તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવા જોઈએ.  રાષ્ટ્રપતિ શી શનિવારે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચશે, લગભગ સાત વર્ષમાં આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેઓ શનિવારે સમિટની બાજુમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. તેઓ  આગામી સમિટમાં હાજરી આપશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd