• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

હવે રૂસ-જર્મની આમને સામને

મોસ્કો, તા. 6 : છેલ્લા પાંચ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ અને વિનાશક યુદ્ધને અટકાવવાના પ્રયાસોમાં શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિન ખાતે અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પુતિને આગામી 72 કલાક સુધી કિવ પર તમામ પ્રકારના સૈન્ય હુમલા સ્થગિત કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો હતો. તે વચ્ચે હવે આ યુદ્ધમાં ત્રીજો મોરચો ખુલ્યો હોય તેમ રશિયા અને જર્મની વચ્ચે ઘર્ષણની ભીતિ સેવાઈ રહી છે. એક મીડિયા હેવાલ મુજબ, રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે રવિવારે જર્મની પર બીજું યુદ્ધ ઈચ્છવાનો આરોપ લગાવ્યો હતો અને લીપઝિગ/હેલ એરપોર્ટ પર ડ્રોન હુમલાના પ્રયાસ પાછળ મોસ્કોનો હાથ હોવાના બર્લિનના આરોપ ફગાવ્યા હતા. જર્મનીએ રશિયા પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર યુક્રેનિયન કાર્ગો વિમાન પાસે વિસ્ફોટ ભરેલું ડ્રોન મળ્યું હતું. બર્લિને કહ્યું કે, આ હુમલો એક વ્યાપક રશિયન `હાઈબ્રિડ' ઝુંબેશનો ભાગ હતો. જર્મન ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડ્ટે જણાવ્યું હતું કે, ડ્રોન રૂપરેખાંકન, ઘટકો, વિસ્ફોટકો અને તેની પ્રણાલીઓ અગાઉના રશિયન હાઈબ્રિડ કાર્યવાહીની પેર્ટન સાથે મળતી આવે છે. જો કે, રશિયાએ તમામ આરોપો નકાર્યા હતા અને જર્મની પર વધુ એક યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ અમેરિકા યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો કરી રહ્યું છે, તે વચ્ચે યુદ્ધનો ત્રીજો મોરચો ખુલવાની ભહીકતિ સેવાઈ રહી છે, જેનાથી દુનિયાભરમાં ઉચાટ ફેલાયો છે. - યુક્રેન પર રૂસનો 108  ડ્રોન વડે હુમલો : મોસ્કો, તા. 6: રશિયા અને યુક્રેન વચ્ચે વધતા જતા સઘર્ષ વચ્ચે, રશિયાએ યુક્રેન પર 108 ડ્રોનનો ઉપયોગ કરીને મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા છે અને 69 ઘાયલ થયા છે. યુક્રેનિયન વાયુસેનાએ 82 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. હવાઈ હુમલાઓ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂત, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર, શાંતિ વાટાઘાટો માટે કિવ પહોંચ્યા છે. બંને રાજદૂતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ત્રણ કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી. જો કે, આ બેઠકમાં તાત્કાલિક કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ કહ્યું છે કે, આ વાટાઘાટોથી આગામી અઠવાડિયામાં જાહેર કરવામાં આવનારાં પગલાં માટેની યોજનાઓ બની છે. 

Panchang

dd