બેંગ્લોર, તા. 31 : કર્ણાટકની રાજનીતિમાં એક નવો
વિવાદ સર્જાયો હતો. ઉચ્ચ શિક્ષણમંત્રી બસવરાજ રાયરેડ્ડીએ ઈસ્લામ ધર્મ માટે આપેલાં નિવેદનથી
ઘમસાણ મચ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા યોજિત સમૂહશાદીમાં મંત્રીએ કહ્યું હતું કે, ઈસ્લામ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે, આ વિવાદસર્જક ટિપ્પણી બાદ ભાજપે પ્રહાર કર્યા હતા. બસવરાજ બોલ્યા હતા કે, ઈસ્લામ દુનિયાનો સૌથી વૈજ્ઞાનિક અને મહાનત્તમ
ધર્મ છે. કમસે કમ એક વાર હજયાત્રા પર મારે મક્કા જવું છે. જો કે, બિનમુસ્લિમ હોવાથી હું ત્યાં નથી જઈ શકતો. ભાજપ તરફથી વિધાનસભામાં વિરોધપક્ષના
નેતા આર. અશોકે પ્રહાર કર્યા હતા કે, મંત્રી બસવરાજે ઈસ્લામ ધર્મને
અન્ય ધર્મોથી શ્રેષ્ઠ લેખાવીને સનાતન ધર્મને નીચો બતાવવાનું કામ કર્યું છે. કેસરિયા
પક્ષે માંગ કરી હતી કે, બસવરાજ તરત આ નિવેદન પાછું ખેંચે અને
આખા રાજ્યની જનતાની માફી માગે. સાથોસાથ અશોકે કહ્યું હતું કે, જો મંત્રી માફી નથી માગતા તો મુખ્યમંત્રીએ તેમને તાત્કાલિક કેબિનેટમાંથી હટાવી
દેવા જોઈએ.