નવી દિલ્હી, તા. 31 : નેપાળમાં
હિમશિલા અને ખડકો તૂટી પડવાથી નદીમાં આવેલાં ભયાનક પૂરથી ઉત્પન્ન થયેલી ઊર્જા હિરોશિમા
ઉપર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી ઉત્પન્ન થયેલી ઊર્જા કરતાં પણ વધારે હતી. કાઠમંડુની
ત્રિભુવન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર સ્ટડીઝના ડિરેક્ટર બસંત રાજ અધિકારીનુ
આવું તારણ છે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ આપત્તિથી આશ્ચર્યચકિત નથી પરંતુ તેમની સંશોધન કારકિર્દીમાં અત્યાર સુધીની
આ સૌથી મોટી આપત્તિ છે. બસંત રાજ અધિકારી હિમાલય વિસ્તારમાં કુદરતી આપત્તિઓ અને પૂરનાં
જોખમોના નિષ્ણાત છે. અધિકારીએ કહ્યું, બરફ અને કાટમાળ નીચે પડવાથી
ઉત્પન્ન થયેલી ઊર્જાની માત્રાની ગણતરી કરવામાં આવી છે. તે હિરોશિમામાં થયેલા પરમાણુ
બોમ્બ વિસ્ફોટથી પણ વધારે હતી. આટલા મોટા પાયે ગ્લેશિયર તૂટી પડવાની આશંકા પણ નહોતી.