ગાંધીધામ, તા. 31 : રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય
સરપંચ સંઘની કાર્યકારી બેઠક મળી હતી, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા,
ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ,
મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા
સહિતના વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ તેમજ સભ્યો અને અન્ય હોદ્દેદારો
જોડાયા હતા. આ બેઠકમાં ગ્રામ વિકાસ અને પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા તેમજ
સરપંચોને માનદવેતનમાં રહેલી અસમાનતા અંગે ચર્ચા કરીને સરપંચોને તેમના જવાબદારીભર્યાં
કાર્ય અને અનુરૂપ યોગ્ય અને સન્માનજનક વેતન મળે તેવી માંગ ઊઠી હતી. આ ઉપરાંત જીરામ
જી યોજના અંતર્ગત સરપંચોને પડતી મુશ્કેલીઓ તથા યોજનાના અમલીકરણ દરમિયાન ઊભા થતા પ્રશ્નો
તેમજ તેના સરળ અને અસરકારક અમલીકરણ અંગે સભ્ય દ્વારા પોતાનાં સૂચનો રજૂ કરવામાં આવ્યાં
હતાં. ગ્રામ પંચાયતોને વધુ સત્તા અને સુવિધાઓ આપવી તથા સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને
મજબૂત બનાવી અને સરપંચોના હક્કો અને અધિકારોને વધુ અસરકારક રીતે સરકાર સમક્ષ રજૂ કરવા
અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક રાષ્ટ્રીય સરપંચ સંઘના અધ્યક્ષ જયરામ પાલસાણિયાની
અધ્યક્ષતામાં મળી હતી અને સંઘના કચ્છથી જનરલ સેક્રેટરી દેવઈબેન અરજણભાઈ કાનગડ સહિત
વિવિધ રાજ્યોના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાનાં
રાજ્યમાં પંચાયતો અને સરપંચો અને પડતી સમસ્યાઓ તથા સ્થાનિક સ્તરે થઈ રહેલા સારા પ્રયાસો
અંગે માહિતી અને સૂચનો રજૂ કર્યા હતા. દેશના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ તથા
ગ્રામ પંચાયતોને વધુ સશક્ત બનાવવા અને સરપંચોના હિતોના રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે
સંગઠિત અને અસરકારક રીતે કામગીરી આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.