નવી દિલ્હી, તા. 7 : ભારતીય વિદેશમંત્રાલયે
પ્રસ્તાવિત વિદેશી ભંડોળ નિયમન કાયદા (એફસીઆરએ)ની અમેરિકી સાંસદ રીલીમુરેએ કરેલી ટીકાને
ફગાવી દેતાં કહ્યું હતું કે, અમેરિકા
પોતે પણ વિદેશી ભંડોળ પર નિયમનની યંત્રણા ધરાવે છે. ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, કાયદાની બાબતો એ ભારતની અંગત
બાબતો છે. અમેરિકાના રિપબ્લિકન પ્રતિનિધિએ એવો આરોપ મૂક્યો હતો કે, ભારત સરકાર દ્વારા એફસીઆરએ કાયદામાં સુચિત સુધારા `િખ્રસ્તીઓ પર સ્પષ્ટ હુમલા' છે. જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત દેશ કાયદાઓ ઘડવા માટે સારી રીતે પ્રસ્થાપિત લોકતાંત્રિક પ્રક્રિયા ધરાવે
છે. અમેરિકા સહિત દુનિયાભરમાં દેશો તેમનાં પોતાનાં કાનૂની માળખાં મુજબ જ સંસ્થાઓનાં
વિદેશી ભંડોળ પર નિયમન કરે છે, તેવું તેમણે અમેરિકાને વળતા જવાબમાં
જણાવ્યું હતું. એફસીઆરએ પર ટિપ્પણીઓ અમે જોઈ છે, પરંતુ આ સંપુર્ણપણે
ભારતની આંતરિક બાબત છે અને તેના પર અંતિમ નિર્ણય ભારતની સંસદ જ લેશે, તેવું જયસ્વાલ બોલ્યા હતા. ખાસ ઉલ્લેખનીય છે કે, ભારતનાં
રાજકીય જગતમાં પણ એફસીઆરએ સુધારા વિધેયક સામે વિરોધની લાગણી છે.