• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

સિરક્રીક સીમાએ નાપાક પેંતરાથી ભારત સાવધ

નવી દિલ્હી, તા. 7 : આતંકપરસ્ત પાકિસ્તાને ભારત સામે જાણે નવો મોરચો ખોલ્યો હોય તેમ કચ્છ સીમાએ અટપટી સિરક્રીક પાસે `પ્રોજેક્ટ અબાબીલ'નાં નામે ચીન અને તુર્કીની મદદથી મેળવેલા નેવી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ, કમાન્ડો કોસ્ટલ ડિફેન્સ બોટ, મરીન એસોલ્ટ ક્રાફટ, હોવરક્રાફટ અને હાઇસ્પીડ પેટ્રોલિંગ જહાજો તૈનાત કરતાં તનાવ વધે તેવી શક્યતા છે. કચ્છની સરહદે ભારતની તટવર્તીય સૂરક્ષાને કથિતપણે પડકાર ફેંકતી આ નાપાક ચાલને પગલે ભારતીય દળો સાબદા થયા હોવાનું સમજાય છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તુર્કી સાથે એક પરનો હુમલો બીજા પર આક્રમણ લેખાય તેવા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એવા સમયે  જ સિરક્રીક પાસે તૈનાતી કરી છે. પાકે ચીન અને તુર્કીની મદદથી વિવાદાસ્પદ વિસ્તારમાં અબાબીલ-ધ ડિવાઇન સ્ટ્રાઇક પ્રોજેકટ શરૂ કર્યો છે અને હરામી નાળાં નજીક વધારાની દરિયાઇ ચોકી પણ ઊભી કરી છે. સંરક્ષણ સૂત્રાને ટાંકીને મીડિયા અહેવાલમા જણાવાયું હતું કે, પાકિસ્તાન નૌકાદળે સિરક્રીકના આ કળણવાળા વિસ્તારમાં તેના સૌથી ભયાનક અને પ્રશિક્ષિત નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી-એન) કમાન્ડોને તૈનાત કર્યા છે. એસએસજી-એન પાકિસ્તાનની એક ગુપ્ત સ્પેશિયલ ઓપરેશન ફોર્સ છે. જે સમુદ્ર, હવા અને જમીન પર ગુપ્ત હુમલાઓ અને જોખમી કામગીરી કરવા માટે તાલીમ પામેલી છે. આ દળો ઉપરાંત પાકિસ્તાને અદ્યતન ચીની હોવરક્રાફટ અને ટર્કિશ કિલર ડ્રોન  પણ મૂકયા છે. ગુપ્ત મિશન, પ્રોજેકટ અબાબીલની આડમાં પાકિસ્તાને સિરક્રીક અને અરબી સમુદ્રના કિનારાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાની લશ્કરી હાજરી વધારીને પરિસ્થિતિને અચાનક વધુ ખરાબ કરી દીધી છે. આસીમ મુનીરે ખતરનાક અને આધુનિક શત્રોથી સજ્જ આખી સેના તૈનાત કરી છે. પાકને તુર્કી દ્વારા મળેલા આ અત્યાધુનિક ડ્રોન માત્ર 24 કલાક સરહદો  પર દેખરેખ રાખવા ઉપરાંત મોટી માત્રામાં ગન પાઉડર અને વિસ્ફોટકો લઇ જવા અને સચોટ હુમલાઓ કરવામાં પણ સક્ષમ છે. ચીનની આધુનિક હોવરક્રાફટ અને એસોલ્ટ બોટ સિરક્રીકના કળણવાળા અને મુશ્કેલ ભૂપ્રદેશમાં ઝડપી ગતિવિધિને સક્ષમ બનાવા માટે છે. પાક રોકેટ ફોર્સ અને એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી છે. આ પ્રોજેકટમાં આધુનિક એર ડિફેન્સ સિસ્ટમનો વિકાસ પણ સામેલ છે. આ સિસ્ટમ કોઇપણ બાહ્ય ખતરા અથવા ભારતીય નૌકાદળની ગતિવિધિનો ઝડપથી સામનો કરવા માટે પાકિસ્તાન આર્મીના નવી રચાયેલી રોકેટ ફોર્સ સાથે સીધા સંકલનમાં કામ કરે છે. પાકિસ્તાનની તાકાતમાં અચાનક વધારો થવા પાછળ ચીન અને તુર્કીનો હાથ છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ચીન અને તુર્કી સંયુક્ત રીતે પાકિસ્તાનની નૌકાદળનો ઉપયોગ ભારત સામે `પ્રોકસી' તરીકે કરી રહ્યા છે. અ બંને દેશો પાકિસ્તાનના ત્રણેય સશત્ર દળો, ખાસ કરીને નૌકાદળને આધુનિક ટેકનોલોજી અને શત્રો પૂરા પાડીને સતત મજબૂત બનાવી રહ્યા છે. તાજેતરમાં ચીને તેની પહેલી હેંગોર-કલાસવ સબમરીન પાકિસ્તાનને સોંપી હતી. આ સબમરીનના આગમનથી અરબી સમુદ્રમાં પાકિસ્તાનની સ્ટીલ્થ ક્ષમતા અને બીજા હુમલાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં પાકિસ્તાને ચીની ટેકનોલોજીથી બનેલા તુઘરીલ-કલાસ યુદ્ધ જહાજોને પણ તેની નૌકાદળમાં સામેલ કર્યા છે.

Panchang

dd