નવી દિલ્હી, તા. 19 : આવતીકાલથી
શરૂ થઈ રહેલું સંસદનું ચોમાસુ સત્ર હંગામેદાર બની રહેશે. આજે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં
તૃણમૂલ કોંગ્રેસના 20 બંડખોર સાંસદોને
બોલાવવાને લઈને નારાજ વિરોધ પક્ષોએ પ્રતીકાત્મક રીતે બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને
રામમંદિર દાનચોરી, નીટ પેપર લીક
અને પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. જો કે,
વિપક્ષી સાંસદો વિરોધ કર્યા બાદ બેઠકમાં પરત ફર્યા હતા અને ત્રણેક કલાક
સુધી બેઠક જારી રહી હતી. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું હતું કે, દેશના લોકો ઈચ્છે છે કે, સંસદનું કામ સરળતાથી ચાલે. વિરોધથી
કોઈનું ભલું નહીં થાય. દરમ્યાન, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટી
(બીએસી)ની બેઠકમાં એફસીઆરે સુધારા ખરડો, આવકવેરા સુધારા વિધેયક
સહિત છ ખરડા પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે
વંદે માતરમ્ અંગેનો ખરડો રજૂ કરશે. સૂચિત કાયદા હેઠળ વંદે માતરમ્ના અપમાન કે રાષ્ટ્રગાનમાં અવરોધ સર્જવો દંડાત્મક અપરાધ લેખાશે
જેમાં ત્રણ વર્ષ સુધીની જેલ સહિતની જોગવાઈ છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું
હતું કે, વિપક્ષોએ તૃણમૂલના, શિવસેના (યુબીટી)ના
બાગી સાંસદોને બેઠકમાં બોલાવવાના નિર્ણયના વિરોધમાં બેઠકમાંથી પ્રતીકાત્મક રીતે બહાર
નીકળી જવાનો નિર્ણય લીધો છે. ચોમાસુ સત્ર ધમાલથી ધગધગતું બનવાના અણસાર છે. એકબાજુ સરકાર
પૂર્વ સત્રમાં પસાર નહીં થઈ શકેલા સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા વિધેયક સહિતના મહત્ત્વના
ખરડાઓ લાવવાની તૈયારીમાં છે તો બીજીબાજુ વિપક્ષી દળો પણ પરીક્ષાઓનાં પ્રશ્નપત્રો ફૂટવાથી
માંડીને વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સીમાંકન સંબંધિત વિધેયકને જો કે,
હજી સુધી કામગીરીના મુસદ્દામાં સામેલ કરવામાં આવ્યું નથી પણ પશ્ચિમ બંગાળની
ચૂંટણી પછી દેશમાં બદલાયેલાં રાજકીય સમીકરણો વચ્ચે હવે સરકાર માટે આ ખરડાનો માર્ગ મોકળો
બનતો દેખાવા લાગ્યો હોવાથી તેને આ સત્રમાં જ સંસદમાં પસાર કરવાનો પ્રયાસ સરકાર કરી
શકે છે. ગઠબંધન તૂટતાંની સાથે જ એમકે સ્ટાલિનના ડીએમકેએ કોંગ્રેસ પર યુક્તિ રમી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વખતે તેનો વિરોધ કરનાર ડીએમકે આ
વખતે તેનું સમર્થન કરી શકે છે. રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના સાંસદ પ્રેમચંદ્રને કહ્યું કે, ડીએમકે બિલને સમર્થન આપવા માટે સંમત થઈ છે, પરંતુ બીજી
તરફ, ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ કહ્યું કે, સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રસ્તાવ આપ્યો નથી. સરકારે બજેટ સત્ર દરમિયાન
લોકસભામાં સીમાંકન બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે પસાર થવામાં
નિષ્ફળ ગયું. હવે, ટીએમસી અને શિવસેનામાં મોટા વિભાજન સાથે સંખ્યા
બે તૃતીયાંશની નજીક પહોંચી રહી છે. એવું માનવામાં આવે છે કે, ડીએમકે પણ તેને સમર્થન આપી શકે છે. ડીએમકે સાંસદ તિરુચી શિવાએ જણાવ્યું હતું
કે, `સરકારે સીમાંકન માટે સ્પષ્ટ પ્રસ્તાવ રજૂ
કર્યો નથી. દક્ષિણ રાજ્યોના હિતોને અસર થવી જોઈએ નહીં. મહિલા અનામત બિલ વર્તમાન આંકડાઓ
સાથે તાત્કાલિક લાગુ થવું જોઈએ. અમે સીમાંકન પર સરકાર પાસેથી વધુ સ્પષ્ટતા ઇચ્છીએ છીએ.' સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકે ઇચ્છે છે કે, બિલમાં દરેક રાજ્યમાં 50 ટકા બેઠકો વધારાની જોગવાઈનો
સમાવેશ થાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વખતે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે
આ વાત કહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, `જો બિલમાં આનો ઉલ્લેખ કરવામાં આવે તો તેઓ
(ડીએમકે) તેના પર સકારાત્મક વિચાર કરવા તૈયાર છે.'