અમેરિકાના 140 ઠેકાણા
પર હુમલા; ઇરાને
મધ્ય-પૂર્વના છ દેશ પર ડ્રોનથી નિશાન સાધ્યું અમેરિકી હુમલામાં ઇરાની નૌકાદળ લેફટનન્ટનું મોત : હોર્મુઝમાં
જહાજોનું આવાગમન ચાલુ હોવાનો યુ.એસ.નો દાવો
નવી દિલ્હી, તા. 12 : પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધની આગ ફાટી નીકળતાં
દુનિયામાં ઉચાટ ફેલાયો છે. ઇરાને રવિવારે ફરી એકવાર મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ બંધ
કરવાનું એલાન કર્યું હતું. આ એલાનથી ઉશ્કેરાયેલાં અમેરિકાએ ઇરાન પર હુમલા કરતાં 140 સ્થળને નિશાન બનાવ્યાં હતાં. રાતભર અમેરિકી
હવાઇ હુમલાના વળતા જવાબ રૂપે ઇરાને મધ્ય-પૂર્વના છ દેશ જોર્ડન, કુવૈત, બહેરિન, કતર, યુએઇ અને ઓમાનમાં
અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ખોર્રમાબાદમાં આઇઆરજીસીએ
એક અમેરિકી ક્રૂઝ મિસાઇલ તોડી પાડી હતી. અમેરિકાએ દાવો કર્યો છે કે, હોર્મુઝ બંધ થયું નથી અને ત્યાં જહાજોનું આવાગમન ચાલુ છે. અમેરિકાના હવાઇ હુમલાઓમાં
ઇરાની નૌકાદળના લેફટનન્ટ હમીદરેજા દેહધાનીનું જાસ્ક બંદર પર મોત થઇ ગયું હતું. બંને
દેશ વચ્ચે વધી રહેલો સૈન્ય સંઘર્ષ વધુ એકવાર તેલ અને ગેસ પુરવઠામાં અવરોધનો મોટો પડકાર
બની ગયો છે. છેલ્લા ચાર દિવસમાં અમેરિકી હુમલાઓમાં જીવ ખોનારાઓની સંખ્યા વધીને 19 થઇ ગઇ છે, તો 100થી વધુ લોકો ઘાયલ થઇ ચૂક્યા છે. ઇરાનના ઇસ્લામિક
રિવોલ્યૂશનરી ગાર્ડ (આઇઆરજીસી)નાં નૌકાદળે જહાજ પર નિશાન સાધતાં અમેરિકાએ વળતા હુમલા
કર્યા હતા. ઇરાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, અમેરિકી દખલ ખતમ નહીં થાય, ત્યાં સુધી
હોર્મુઝ સ્ટ્રેટ ખોલાશે નહીં. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ
(સેન્ટકોમ)એ કહ્યું હતું કે, આ સપ્તાહે ઇરાન સામે ત્રીજા દોરની સૈન્ય કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. ઈરાની
નૌસેનાએ હોર્મુઝ બંધ કરી નાખવાનું એલાન કર્યાનાં અમુક કલાકોમાં જ અમેરિકાએ ઈરાનનાં
સૈન્ય અને વ્યૂહાત્મક માળખાઓ ઉપર હવાઈ હુમલા ચાલુ કરી નાખ્યા હતા, જેમાં ઈરાનનાં પરમાણુ શહેર બુશહર સહિતનાં શહેરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
આ નવેસરથી પેદા થયેલા તણાવનું કારણ એક કોમર્શિયલ જહાજ ઉપર ઈરાની સેના આઈઆરજીસીનો હુમલો
છે. ઈરાની નૌસેનાએ દાવો કર્યો હતો કે, હુમલાગ્રસ્ત જહાજે નિર્ધારિત
સમુદ્રી માર્ગનું પાલન કર્યું નહોતું અને પોતાની નેવિગેશન સિસ્ટમ પણ બંધ કરી નાખી હતી.
ચેતવણી આપવા છતાં તેના તરફથી રસ્તો બદલવામાં ન આવ્યો પછી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો
હતો. જો કે, આ હુમલા પછી અમેરિકાએ ઈરાનને પાઠ ભણાવવા માટે હુમલા
શરૂ કરી દીધા હતા, જેનાં જવાબમાં ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકાની
દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી હોર્મુઝ બંધ કરી નાખવાની ધમકી આપી હતી. ઈરાન ઉપર આ નવેસરથી
શરૂ થયેલા અમેરિકાના હુમલા વિશે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો હતો કે,
છેલ્લા ત્રણ દિવસમાં ઈરાનનાં 300થી વધુ સૈન્ય ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા છે, તો ઈરાની સેનાએ દાવો કર્યો
હતો કે, તેના તરફથી કતારમાં અલ ઉદીદ એરબેઝ ઉપર બેલિસ્ટિક મિસાઈલ
દાગી દેવામાં આવી છે. આ હુમલામાં લડાકુ વિમાનનાં સમારકામ સેન્ટર સાથે કમાન્ડ સેન્ટરને
પણ નિશાને લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓમાનનાં દુક્મ બંદર ઉપર પણ હુમલાનો દાવો કરવામાં
આવ્યો હતો.