અમદાવાદ, તા. 27 (અમારા અમદાવાદ/પાટણ પ્રતિનિધિ
તરફથી) : ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,
ઉત્તર-મધ્ય ગુજરાત પર જાણે આભેથી આફત વરસી હોય તેમ સાર્વત્રિક જળબંબાકાર
જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં અમદાવાદના દસક્રોઈમાં એક દિવસમાં 10 ઈંચ, તો
ખેડાના નડિયાદ અને મહેમદાવાદમાં 8-8 ઈંચ, વણકબોરીમાં
તળાવમાં ગાબડું પડતાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ બનાસકાંઠાના
વડગામમાં માત્ર સાત કલાકમાં 9 ઈંચ વરસાદ પડયો હતો. કુલ 177 તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે
સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા
રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દસક્રોઈ
તાલુકામાં 10 ઇંચ વરસાદ
ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી થઇ જતાં કફોડી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા
પાણીના નિકાલ અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો અમદાવાદ શહેરમાં સરેરાશ અઢીથી 3 ઇંચ વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું
હતું. અમદાવાદ ઉપરાંત ખેડા અને બનાસકાંઠામાં જાણે એમ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા
છે. અઠવાડિયા સુધીના વિરામ બાદ ગત રાત્રિથી આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ અને ખેડાના નડિયાદ-મહેમદાવાદમાં પણ 8-8 ઈંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત
થઇ ગયું છે, તો વણકબોરી પાવર સ્ટેશન
પાસેના તળાવમાં ગાબડું પડ્યું હતું, જેમાં વણકબોરી પાવર મથકના
અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. બનાસકાંઠાના વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા
જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. પાટણ જિલ્લાના
નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સિદ્ધપુરમાં સૌથી વધુ 7 ઈંચ, પાટણમાં ત્રણ
ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો છે, તો વાહનચાલકો,
રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્યના 8 તાલુકામાં
3 ઇંચ કરતાં વધુ વરસાદ, 18 તાલુકામાં
2 ઇંચથી વધુ, 30 તાલુકામાં
1 ઈંચથી વધુ અને કુલ 112 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક
વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની
મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી, અમદાવાદ, મહેસાણા,
બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો
સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી
મેળવી હતી અને વહીવટી તંત્રને સતર્ક રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ કરવા સૂચના આપી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ,
ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા
તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના 8 તાલુકામાં
3 ઇંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં
2 ઇંચથી વધુ, 30 તાલુકામાં
એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો
વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 27 જુલાઈના રાજ્યમાં
મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો
છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર
વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં
ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ધીમો
પડ્યો છે. હવામાન વિભાગે આગામી 1 ઓગસ્ટ સુધી
રાજ્યમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં
આવી રહ્યા છે. હવામાન વિભાગે 28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા
જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કર્યું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ,
સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી,
મહીસાગર સહિતના જિલ્લામાં ભારે
વરસાદની આગાહી છે. હાલ ઉત્તર છત્તીસગઢ અને
ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત
ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી
સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.