અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
એટીએસએ આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કરતાં અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (આઈક્યુઆઈએસ)ના
ચાર લોકોની ધરપકડ કરી છે. એટીએસે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ઉશ્કેરતા અને અલકાયદાની
વિચારધારા ફેલાવવા બદલ અમદાવાદ અને મોડાસાના એક-એક તથા દિલ્હી અને નોઈડાના એક-એક યુવાનને
દબોચી લીધા છે. ગુજરાત એટીએસે લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત એટીએસની ટીમે નકલી
ભારતીય ચલણી નોટ મોડયુલનો પણ પર્દાફાશ કર્યો છે તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે
સંકળાયેલા ચારેય આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા
અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટીએસએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી આ આતંકીઓને
ઝડપી પાડયા છે. આ ચારેય આતંકી લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતા. આ આતંકવાદીઓમાંથી
એક આતંકી અમદાવાદના ફતેહવાડી વિસ્તારનો હતો. ગુજરાતના બે આતંકીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
છે. ઝડપાયેલા ચાર આતંકવાદીમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઇડામાંથી
ધરપકડ કરવામાં આવી છે, જેમાં બનાવટી
નોટ રેકેટના એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રુપ પર ચાટિંગ કરીને તેઓ બાકી
લોકોને પણ જોડતા હતા. ગુજરાત એટીએસની ટીમ લાંબા
સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત એટીએસની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઈ
શકે છે. મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસને 10 જૂને પાંચ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. આ પાંચ ઈન્સ્ટાગ્રામ
આઈડીની તપાસ કરવા માટે એક ટીમ બનાવી હતી, જેમાં મુજાહિદ-1 અને મુજાહિદ-2 દિલ્હીથી ચાલતું હતું. મોહંમદ ફેઝ મુખ્ય
આરોપી છે જેનું પાકિસ્તાન કનેક્શન છે. ફરદિન નામના શખ્સ પાસેથી એક તલવાર પણ મળી આવી
છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ભડકાઉ અને ઉશ્કેરણીજનક
સામગ્રી ફેલાવવા માટે કરવામાં આવ્યો છે. ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી
શાસનની સંસ્થાઓને લક્ષ્ય બનાવવા સહિત આ ક્રિયાઓનો હેતુ યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાનો અને ઇસ્લામિક
ખિલાફતની સ્થાપનાના આડમાં અલગતાવાદી અને આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો છે. અલકાયદાના આતંકીઓ વિશે એટીએસ દ્વારા આપવામાં આવેલા
નિવેદન અનુસાર ચારેય આતંકીઓએ દેશવિરોધી કાર્યવાહી માટે લોકોને ઉશ્કેર્યા હતા. આતંકીઓ
જેહાદનો ફેલાવો કરતા હતા. પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે સંપર્કમાં હતા. ફરદીનને
ડીટેઈન કરતા અલકાયદાના પુરાવા મળ્યા હતા. આતંકીઓના એકાઉન્ટમાંથી ઓપરેશન સિંદૂરને લગતી
પોસ્ટ મળી હતી. જીશાનના આઈડીમાંથી હથિયારના ફોટા મળ્યા હતા. ડમી નામથી આઈડી બનાવ્યા
હતા. આતંકીઓ ઉર્દૂમાં વાતો કરતા હતા. લોકોને શરિયત લાગુ કરવાના ભાષણ મોકલતા હતા. ગુજરાત
એટીએસ દ્વારા આજે જે આતંકીઓને પકડવામાં આવ્યા છે તે ભારતીય મૂળના લોકો છે. આ ચારેય
આતંકીની ઉંમર 20થી 25 વર્ષની હોવાનું સામે આવ્યું
છે. તેઓ ભારતમા મોટા પાયે આતંકી પ્રવૃત્તિનું આયોજન કરવાના હતા. આ ચારેય આતંકવાદીઓ
સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું
છે કે, તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં
પણ હતા. એટીએસ દ્વારા ઝડપાયેલા ચાર આતંકીમાંથી
મોહંમદ ફૈક દિલ્હીના ફરસખાનાનો રહેવાસી છે, જ્યારે મોહંમદ ફરદીન
અમદાવાદના ફતેહવાડીનો રહેવાસી છે. સૈફુલ્લા કુરેશી મોડાસાના ભોઇવાડીનો રહેવાસી છે.
આતંકી જીશાન અલી નોઇડાનો રહેવાસી છે. સૈફુલ્લા ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો.
આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલા વધુ એક આતંકી સૈફુલ્લા કુરેશીનું મોડાસાના ખાટકીવાડમાં
મકાન છે. સોશિયલ મીડિયા પર તે ઘણો એક્ટિવ રહેતો હતો. અલકાયદા મોડયુલમાં તે જોડાયેલો
હતો. આ ચારેય આરોપી ભારતીય મૂળના છે. ચારેયને ઝડપીને તેઓ શું કરવાના હતા અને શું પ્લાન
હતો તેની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે. ચારેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ
ધરાઈ છે.