નિરોણા (પાવરપટ્ટી), તા. 19 : પાવરપટ્ટીના
નિરોણાના ઉત્તરાદિ સીમાડે ચરિયાણ માટે વિચરતી ભેંસો પર જીવતો વીજ વાયર તૂટતાં પાંચ
જેટલી ભેંસોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આજે સવારે નિરોણા ગામમાંથી ચરિયાણ માટે
નીકળેલ ભેંસોનું ટોળું ગામની ઉત્તરે રૂડિયાવાળી કેનાલના કિનારા પર ચરિયાણ માટે વિચરતી
હતી, તેવા સમયે ઉપરથી ખેતીવિષયક વીજ લાઇનમાંથી કોઇ
કારણોસર એક જીવતો વાયર તૂટી નીચે ભેંસો પર પડતાં એક સાથે પાંચ જેટલી ભેંસો મોતના મુખમાં
ધકેલાઇ હતી. મૃત્યુ પામેલી ભેંસોમાં એક ભેંસ મોગલ ઇબ્રાહિમ હાસમ, એક ભેંસ લતીફ કાસમ મોગલ, એક ખડો અકબર હાસમ મોગલ,
એક પાડી જુસબ કાસમ મોગલ અને એક પાડી ઓસમાણ કાસમ મોગલની માલિકીની હતી.
ગામના સીમાડે વીજ દુર્ઘટનાને લઇ સર્જાયેલ પશુ મોતની ઘટનાની જાણ થયા પછી બપોર બાદ ભુજ
પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર એન. ડી. ઠક્કર, જુનિયર ઇજનેર શ્રી
માવડિયા તેમજ નિરોણા પશુ આરોગ્ય કેન્દ્રના પશુચિકિત્સક વિપુલ ચૌધરી દોડી આવ્યા હતા,
જ્યાં મૃત્યુ પામેલ પશુઓનું પંચનામું, પોસ્ટ મોર્ટમ
સહિતની કાર્યવાહી કરાઈ હતી. દરમ્યાન ગામના સીમાડે ખેતી વિષયક વીજ લાઇનો દૂર દૂર સુધી
વિસ્તારોમાં ફેલાયેલી છે. વળી સીમાડામાં ગાંડા બાવળની ગીચ ઝાડી વચ્ચેથી નીકળતી આ વીજ
લાઇનો તૂટવાની અવારનવાર ઘટનાઓ ઘટી રહી છે, જેને લઇ વીજ લાઇનોના
જૂના વાયરો બદલાવવા અને વીજ લાઇન આસપાસની ગીચ ઝાડીને જડમૂળથી કાઢવામાં આવે તેવી માંગ
લોકોમાં ઊઠી છે.