વાંઢાય (દેશલપર), તા. 19 : તીર્થધામ
વાંઢાયમાં ચાલતા અન્નક્ષેત્ર, નિવાસ
રૂમ, ગૌશાળા, ભજન-સત્સંગ સહિતની માનવસેવા,
ગૌસેવા પ્રવૃત્તિઓ બે વર્ષ પછી ફરી પૂર્વવત થતાં આશ્રમ સેવાકાર્યોથી
ધમધમતો થતાં હરિહર સંત પરંપરાનું સ્થાનક ગુરુગાદી સંત પરંપરાના સેવક ભાવિકો,
તમામ સનાતની સમાજોમાં ખુશીની લહેર ફરી વળી છે. છેલ્લે ઇશ્વર આશ્રમમાં
ગાદીપતિ મહંત કરશન રામજી મહારાજ બ્રહ્મલીન થયા તે પછી આશ્રમના મહંતપદ તથા સંચાલન સંદર્ભે
સર્જાયેલા વિવાદના કારણે મામલો ચેરિટી કમિશનર કોર્ટમાં પહોંચ્યો હતો. ભાવિકો માટે અન્નક્ષેત્ર,
ચા-પાણી, નાસ્તાની સુવિધા વ્યવસ્થા, ગૌશાળામાં 80 ગૌમાતાના
નિભાવ સહિતની કથળેલી સેવાઓના કારણે ભાવિકમાં દુ:ખ અને અસંતોષની લાગણી ફેલાઇ હતી. વચ્ચેના
ત્રણેક વર્ષ સુધી વાંઢાયના ક્ષત્રિય દોલુભા સોઢાએ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ સાથે પરિસરના
સુશોભન, ગૌસેવા પ્રવૃત્તિ સંભાળી હતી, પણ દોલુભાનાં નિધન થયા પછી હરિહર સંત પરંપરાના ગુરુદ્વારાનું વ્યવસ્થિત સંચાલન
માટે ભાવિક-ભક્તોના મંથનના અંતે ઇશ્વર આશ્રમના વહીવટ-સંચાલન કાનાભાઇ આહીર તથા વાંઢાયના
કરશનજી દોલુભા સોઢા સેવા આપતાં આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ પુન: પૂર્વવત થઇ છે. સૂત્રોના
જણાવ્યા મુજબ સંત ઓધવરામજી મહારાજ, વાલરામજી મહારાજ, કરશનરામજી મહારાજ દ્વારા યાત્રીઓ માટે રોટલો-ઓટલોની ઇશ્વર આશ્રમની વ્યવસ્થા
અવિરત શરૂ કરાઇ છે. ઉપર 65 રૂમની વ્યવસ્થા
છે. તાજેતરમાં ઓધવભક્તો તરફથી અન્નક્ષેત્રમાં રોટલી બનાવવાનું આધુનિક મશીન, ઢોકળા બનાવવા કૂકર, ઠંડા
પાણીનું કૂલર મશીન સહિત સાધનોની ભેટ અપાઇ છે તેવું જણાવતાં આશ્રમના સંચાલક કરશનજી સોઢાએ
જણાવ્યું હતું કે, હરિહર સંત પરંપરા મુજબ આ આશ્રમમાં કોઇ જ્ઞાતિ-જાતિના
ભેદભાવ વગર સમરસતાપૂર્વક સનાતની અઢારે આલમના ભાવિકો માટેના કાર્યરત અન્નક્ષેત્રમાં
દૈનિક 250થી 300 ભાવિક ભોજનનો લાભ લે છે. આશ્રમની
પરંપરા મુજબ સવારે પ્રાંત: સ્મરણ, સાંજે
સંધ્યાપાઠ, ભજન-સત્સંગ દૈનિક યોજાય છે. જ્યારે ગૌશાળામાં નિભાવ
થતી 80 જેટલી ગૌમાતા માટે દાતાઓ દ્વારા
ઘાસચારો, ખોળ-ભૂસું જેવા પશુ આહાર ગૌશાળામાં પહોંચાડવામાં
આવે છે.