• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

માંડવીને ભુજથી રેલવે જોડાણ ત્રણ વર્ષમાં મળવાના સંકેત

માંડવી, તા. 19 : ભુજથી માંડવી રેલવે જોડાણનો વર્ષો જુનો પ્રાણપ્રશ્ન ત્રણ વર્ષમાં ઉકેલાવાના એંધાણ મળ્યા છે. રેલવેના અધિકારીઓ સી.એમ.આઇ. પંકજકુમાર અને ટીઆઇ સુદીપકુમાર શનિવાર તા.17-10ના પાંજોલી બેઠકમાં સકારાત્મક સંકેત આપ્યા હતા. માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલ દોશી, મંત્રી દિનેશભાઇ શાહ, ઉપપ્રમુખ દીપકભાઇ પંડયા અને લિનેશભાઇ શાહે રેલવેના અધિકારીઓને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બેન્ટોનાઇટનું વેચાણ આશરે 40 લાખ ટન થયું છે. જે પૈકી 19 લાખ ટન જેટલું વિદેશમાં નિકાસ થયું છે. આ માલ ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યો માટે છે. માંડવીમાં રેલવે આવ્યેથી આ બધો માલ રેલવે માર્ગે નિકાસ થાશે. જેથી નિકાસકારો તથા રેલવે મંત્રાલયને આવકમાં મોટો ફાયદો થશે. માંડવી આસપાસ 10 કિલો મીટરના ગ્રામ્ય વિસ્તાર જેવા કે, મસ્કા, ગુંદીયાળી, મોઢવા, ત્રગડી વગેરેમાં સ્થાપાનારા નવા ઉદ્યોગોના કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે રેલવે ખૂબ જ ઉપયોગી થશે તેમજ રોજગારીના દ્વારા પણ ખુલશે. માંડવીમાં રેલવે આવ્યેથી માત્ર શહેર કે ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ સમગ્ર કચ્છનો વિકાસ થશે. માંડવી ખાતે શનિવારે મળેલી બેઠકમાં રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માંડવીને રેલવેની સુવિધા આપવા માટે બે રૂટ તૈયાર થયા છે. તેથી વધારે સુગમ રેલવે  રૂટ વિશે પણ વિગતે ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે રેલવેને અધિકારીઓએ પરિષદના હોદેદારોને જણાવ્યું હતું કે, હવે રૂટનો નકશો બનાવી, ખર્ચનોલ હિસાબ કરી ડીઆરએસ અમદાવાદને મોકલશે. ત્યારબાદ અમદાવાદ તરફથી જનરલ મેનેજર મુંબઇને મોકલશે. તારબાદ જનરલ મેનેજર તરફથી મંજૂરી સાથે દિલ્હીના રેલવે મંત્રાલયને મોકલાશે અને આગામી બજેટમાં મંજૂરી મેળવી કામ ચાલુ થશે અને આગામી ત્રણ વર્ષમાં માંડવીને રેલવે મળવાની સુવિધા મળવાની પૂરી શક્યતા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd