ગાંધીધામ, તા. 19 : ઔદ્યોગિકીકરણ અને ભવિષ્યમાં
આવનારા પોર્ટ આધારિત પ્રોજેક્ટોનાં કારણે કંડલાથી વિમાની સેવાની તાતી જરૂરિયાત વચ્ચે
દેશના બે શહેરને જોડતી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ આ સેવા શરૂ થાય તે પહેલાં જ બાળમરણ થયું
હોવાના અહેવાલો આવ્યા છે. આ સમાચારથી સંકુલમાં નિરાશા ફેલાઈ છે. આ અંગે મળતી વિગતો
મુજબ ગત મે મહિનામાં સ્પાઈસ જેટ દ્વારા આર્થિક સંકડામણ સહિતનાં કારણોને આગળ ધરીને કંડલાથી
મુંબઈની વિમાની સેવા બંધ કરવામાં આવી હતી. આ પેહલાં દિલ્હીની ફ્લાઈટ અવાર-નવાર ચાલુ-બંધ
રહેતી હતી અને લાંબા સમયથી આ સેવા કાયમ માટે બંધ કરવામાં આવી હતી. દરમ્યાન તાજેતરમાં
આગામી તા. 25મીથી કંડલાથી
દિલ્હી-મુબંઈની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત સ્પાઈસ જેટ દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતથી ઔદ્યોગિક પાટનગરમાં
આનંદની લાગણી પ્રસરી હતી. અગાઉ પણ જ્યારે કંડલા -મુંબઈની વિમાની સેવા ચાલુ હતી, ત્યારે પૂરતા પ્રવાસીઓ મળતા હતા અને કોરોના
કાળમાં પણ કંડલા એરપોર્ટથી સર્વાધિક પ્રવાસીઓની અવરજવર પણ નોંધાઈ હતી. દરમ્યાન તા.
25મીથી શરૂ થનારી વિમાની સેવા માટે એરપોર્ટ
ખાતે તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હતી, પરંતુ અચાનક આજે બપોર બાદ વિમાની સેવા
રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કરાયેલી
જાહેરાત મુજબ સવારે દિલ્હીથી ફ્લાઈટ ઉપડી કંડલા
આવવાની હતી, કંડલાથી મુંબઈ, મુંબઈથી
કંડલા અને સાંજે કંડલાથી દિલ્હી એ રીતે રૂટ ગોઠવવામાં આવ્યો હતો. આ જાહેરાત થઈ ત્યારે જ ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગકારોએ આ સેવા કાયમ રહેશે કે કેમ તેવો
સવાલ ઉઠાવ્યો હતો. જો કે, ચાલુ થયા બાદ ફ્લાઈટ રદ થાય તો ભારે હાલાકી પડત તેવું જાણકારોએ જણાવ્યું હતું.