ગાંધીધામ, તા. 7 : શહેરના વેપારીનું અપહરણ અને
5.55 કરોડની ખંડણીના પ્રકરણમાં છેલ્લા
કેટલાક દિવસોથી નાસતા ફરતા બનાવને અંજામ આપનારા ત્રણ મુખ્ય શખ્સને પોલીસે દોડધામ આદરીને
પંજાબથી દબોચી લીધા હતા. આ શખ્સોની મદદ કરનારા અન્ય બે શખ્સની પણ અટક કરાઇ હતી. આ પ્રકરણમાં
પોલીસે અત્યાર સુધીમાં રોકડ રકમ, વાહનો,
મોબાઇલ વગેરે મળીને કુલ રૂા. 4,30,74,325નો મુદ્દામાલ રિકવર કર્યો છે. શહેરમાંથી વેપારી એવા દિલીપ મજેઠિયાનું
અપહરણ કરી તેમના ભાઇ પાસેથી રૂા. 5.55 કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે
હવે કિશોર તુલસીદાસ સદાદપુરી, રાજ દીપક
ધનવાણી, ઇબ્રાહીમ જુસબ બુચડ, હુસેન જુસબ
બુચડ, શબિર અભુ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ
લીલારામ હેમનાણી તથા સચિન વિકાસ આનંદાનીને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી જે-તે સમયે
11 મોબાઇલ, રોકડ રૂા. 9,68,000 જપ્ત કરાયા હતા, ત્યારે જાવેદ અભુ સાયચા, રીઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ નાસી છૂટયા હતા. આ ચકચારી બનાવની તપાસ
કરી રહેલી પોલીસે તપાસ દરમ્યાન વિનીત લક્ષ્મણ જાદવાણી (સિંધી), અનમોલ આનંદકુમાર નંદા (ભાનુશાળી) તથા વિશાલ ધનરાજ ગોસ્વામી નામના શખ્સોને પણ
પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રૂા. 28,96,000 જપ્ત કરાયા હતા. દરમ્યાન,
મુખ્ય આરોપીને પકડી પાડવા એલસીબી, બી-ડિવિઝન,
એ-ડિવિઝન, અંજારની ટીમો બનાવીને રાજ્ય બહાર તથા
રાજ્યના જુદા-જુદા શહેરોમાં તપાસ કરાઈ રહી હતી. પોલીસે રાજ્યની એટીએસની પણ મદદ લીધી
હતી, જેમાં ટેકનિકલ તથા
ખાનગી બાતમીદારો દ્વારા આ ત્રણ શખ્સ પંજાબના ભટીંડામાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે
પંજાબની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદ લઇ ભટીંડાથી જાવેદ અભુ સાયચા,
સોહિલ જુસબ બુચડ તથા રીઝવાન હુસેન ખીચાને પકડી પાડયા હતા. પકડાયેલા જાવેદના
સાસરિયા જામનગર છે અને જામનગરના મુનાવર મન્સુર બુચડ તથા અમદાવાદનો નાગજી બળદેવ દેસાઇ
અગાઉ પકડાયેલા શબિરના મિત્રો છે. આ બંનેએ પણ આરોપીઓની મદદગારી કરી હોવાનું બહાર આવ્યું
હતું. મુનાવર અને નાગજીએ યુએસડીટીને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં મદદ કરી હતી તથા
નાગજીએ ત્રણેય આરોપી માટે થાર ગાડી ભાડે લઇ આપી હતી. પોલીસે મુનાવર પાસેથી રોકડ રૂા.
57,50,000 તથા તેના વોલેટમાંથી 1,23,62,160 અને જાવેદના વોલેટમાંથી રૂા.
1,87,53,665 અને અગાઉ પકડાયેલા શખ્સો પાસેથી
રૂા. 44,66,000 તેમજ પંજાબ નાસવા માટે થાર
ગાડી નંબર જીજે-38-બીએફ-9399 એમ કુલ રૂા. 4,30,74,325નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પકડાયેલા શખ્સોને આજે બનાવવાળી જગ્યાએ લઇ જઇને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું
તેમજ પાંચેયને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.