ભુજ, તા. 7 : બનાસકાંઠાના ઉણ પાસે રાજ્ય
સ્તરથી ટુકડીએ પાડેલા દરોડામાં લુધિયાણાથી કપડની ઘાંસડીની આડમાં કચ્છ લવાતા 1,05,12,451ના દારૂના જથ્થા સાથે બે આરોપીને
ઝડપી લઈ કુલ રૂા. 1,20,22,661નો
મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે એસએમસીએ પાડેલા દરોડામાં
થરાથી રાધનપુર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 પર ઉણ ગામના ઓવરબ્રિજ ઉતરતા
રોડ પર રામદેવ ટ્રાન્સપોર્ટ પાલીની ટ્રક નંબર આરજે 18 જીએ 6642ના ડ્રાઈવર
ઓમપ્રકાશ આસુરામ કાકળ (જાટ) અને હેલ્પર જિતેન્દ્રકુમાર ભોમારામ કાકળ (જાટ) (બંને રહે.
રાજસ્થાન)ને કચ્છ-ભુજ લવાતા રૂા. 1,05,12,451ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ જથ્થા સાથે હેમરાજ એન્ટરપ્રાઈઝના
ઈન્વોઈસ સાથે ખરીદનાર તરીકે આશાપુરા એન્ટરપ્રાઈઝ-ભુજના બિલ સહિતના કુલ રૂા. 1,20,22,661નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ જથ્થો મોકલનાર આરોપી રાજસ્થાનના
હરીશ સોનારામ કુંકણા, લુધિયાણાથી
શરાબનો જથ્થો ભરીને મોકલનાર અજાણ્યા આરોપી, દારૂની હેરફેર માટે
ઉપયોગમાં લેવાયેલી ટ્રકનો માલિક, ભુજ ખાતે આ વિદેશી દારૂનો જથ્થો
મગાવનાર અજાણ્યા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે,
એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, બીજીતરફ અવારનવાર
અન્ય રાજ્યમાંથી ગુજરાતના કચ્છ સહિતના જિલ્લાઓમાં દારૂની ખેપ પકડાતી રહી છે,
ત્યારે અનેક કિસ્સાઓમાં પોલીસ તંત્ર માત્ર મસમોટો જથ્થો પકડીને સંતોષ
માનવાના બદલે નશાનો વેપલો કરનારા મુખ્ય સૂત્રધારોને પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરાય
તે જરૂરી બન્યું હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું.