ભુજ, તા. 20 : ચેક પરતના કેસમાં ભુજના આશિક
બચુભાઇ ઘાંચીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની દોઢ ગણી રકમ રૂા. 8.70 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે
હુકમ કર્યો છે. વર્ષ 2020માં આરોપી
આશિક બચુભાઇ ઘાંચી (રહે. કસ્વા કોલોની, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ)એ ફરિયાદી અબ્દુલ મોખાને રૂા. 5.80 લાખનો લેણી રકમનો ચેક આપ્યો
હતો. જે પરત ફરતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચીફ જ્યુ. મેજિ. એમ.એમ. કુરેશીએ આરોપી
આશિકને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની દોઢગણી રકમ રૂા. 8.70 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો
હુકમ કર્યો છે. ફરિયાદી વતી એડવોકેટ એ.આર. મલેક સાથે પ્રફુલ્લકુમાર બી. સીજુ, નવીન આર. સીજુ, કેશવ જે.
ભદ્રુ હાજર રહ્યા હતા.