ગાંધીધામ, તા. 19 : શહેરના ભારતનગર વિસ્તારમાં
પ્રેમલગ્ન નામના પવિત્ર બંધનનો કરુણ અંજાર સામે આવ્યો છે. વર્ષ 2011માં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ
યુવાન સાથે ભાગીને લગ્ન કરનાર નેપાળી મૂળની યુવતી સોનમ સુનારની તેના જ પતિ દ્વારા નિર્મમ
હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે ફરિયાદ બાદ
પોલીસે આરોપીને પકડી પાડયો હતો. શહેરના ભારતનગર વિસ્તારમાં વોર્ડ 9-બીએ વિસ્તારમાં રહેનાર સોનમ નામની મહિલાને
તેનો પતિ અને આ બનાવનો આરોપી સુલ્તાન જુસબ સુમરા રામબાગ હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં તે ઘરે જમીન પર ચાલતા સમયે પગ સ્લીપ થતાં
શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. મહિલાના આખા શરીરે
ઇજાના નિશાનો હોવાથી તબીબોએ પીએમ બાદ વધુ હકીકત જાણવા મળે તેવું જણાવ્યું હતું. દુબઇ
રહેતા યુવતીના ભાઇ રાહુલ રતનબહાદુર સુનાર અહીં આવી તેણે ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદી
અને તેનો પરિવાર અગાઉ ભારતનગર રહેતો હતો ત્યારે વર્ષ 2011માં સોનમ સુલ્તાન સુમરા નામના
શખ્સ સાથે ચાલી ગઇ હતી, ત્યારે ફરિયાદી
અને પરિવાર પહેલાં સિદ્ધપુર બાદ પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. દરમ્યાન સુલ્તાન સોનમને
પરિવાર સાથે વાત કરવા દેતો ન હોવાથી છેલ્લા ચાર વર્ષથી પરિવારનો સોનમ સાથે કોઇ સીધો
સંપર્ક નહોતો. દરમ્યાન ગત તા. 12/7ના ફરિયાદીનો ભાઇ સંતોષ જે ગાંધીધામમાં જ રહે છે તેની વાત સોનમ
સાથે થઇ હતી, જેમાં આ મહિલાએ રડતાં પોતાની
આપવીતી સંભળાવી હતી કે તેનો પતિ સુલ્તાન ખૂબ ગુસ્સાવાળો છે અને તેને વારંવાર ઢોરમાર
મારે છે. મહિલાએ તેના ભાઇને વિનંતી કરી હતી કે, તું મારા ઘરે
આવતો નહીં અને મને ફોન પણ કરતો નહીં, નહિતર મારો પતિ મને જાનથી
મારી નાખશે. આ વાતના ગણતરીના દિવસોમાં જ સોનમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
દરમ્યાન તા. 17/7ના સંતોષે
ફરિયાદી રાહુલને ફોન કર્યો હતો અને સોનમનું મોત થયું હોવાની જાણ કરી હતી અને પોતે રામબાગ
હોસ્પિટલમાં જતાં તેના આખા શરીરે માર મારેલાના લાલ નિશાન હતા અને અન્ય નાની-મોટી ઇજાઓ
તથા માથાના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું. તેની સાથે કંઇક બનાવ બન્યો હોવાનું જણાવ્યું
હતું. દરમ્યાન આ લાશનું પીએમ કરાવવા એમ.પી. શાહ મેડિકલ કોલેજ-જામનગર લઇ જવાઇ હતી, જ્યાં તબીબોના પ્રાથમિક ટૂંકા રિપોર્ટમાં સ્પષ્ટ
થયું હતું કે, સોનમનું મોત શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે જ
થયું છે. તેવામાં આ શખ્સ છેલ્લા અઠવાડિયાથી સોનમને માર મારતો હોવાનું સંતોષના ધ્યાને
આવ્યું હતું. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ કરીને
આ શખ્સને પકડી પાડયો હતો. પત્રકાર પરિષદમાં સંબોધતાં ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરીએ જણાવ્યું
હતું કે, બનાવ બાદ અંતિમવિધિની કાર્યવાહીની તજવીજ ચાલી રહી હતી,
તેવામાં પોલીસના ધ્યાને આવતાં પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું,
જેમાં ઇજાઓના પગલે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું તેમજ આ શખ્સ ચારિત્ર્ય
અંગે શંકા રાખી મહિલા સાથે ઝઘડો કરી તેને પટ્ટા વડે માર મારતો હોવાનું તેમણે જણાવ્યું
હતું. આ શખ્સ વિરુદ્ધ અગાઉ પાંચેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું,
તેની ધરપકડ કરી આગળની તપાસ પી.આઇ. મેહુલકુમાર જેરામ રાઠોડે હાથ ધરી છે. - ગાંધીધામમાં
મહિલાની હત્યા બાદ સમાજ સતર્ક રહે તેવી લાગણી : ગાંધીધામ, તા. 19 : શહેરના ભારતનગરમાં મહિલાની
હત્યાના પગલે આ બનાવ અંતિમ બની રહે અને સમાજ સતર્ક રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી
હતી. અહીંના નેપાળી સમાજના પ્રમુખ વિશાલ થાપાએ બનાવ બાદ પોલીસે સતર્કતાથી કામ કર્યું
છે. પોલીસના કારણે આ ક્રૂર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંતિમ બની રહે તે માટે
સમાજ, કિશોરીઓ, યુવતીઓને સતર્ક
રહેવું પડશે. યુવતી, કિશોરી આવું કોઇ પગલું ભરે તો ગમે તે રીતે
તેને પરત લઇ આવવા તેમણે જણાવ્યું હતું. વી.એચ.પી. ધર્મપ્રસાદ, પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ કિરીટભાઇ કોટકે આ બનાવ ખરેખર ગંભીર, ક્રૂર
અને લાલબત્તી સમાન હોવાનું જણાવ્યું હતું. બાળકીઓ આવા પગલાં ભરે ત્યારે પરિવાર તેનો
સંપર્ક તોડી નાખતો હોય છે. જેના કારણે સામેવાળાને મોકો મળે છે. યુવતીઓનાં આવાં પગલાંથી
આખો પરિવાર વિખેરાઇ જાય છે. આવા બનાવો ન બને તે માટે જાગરુકતા અર્થે ચિંતન,
મંથન, સેમિનાર થવા જોઇએ. આવા બનાવો બનતાં અટકાવવાનો
એક જ ઉપાય છે જાગરુકતા, તેવું તેમણે ઉમેર્યું હતું.