• શુક્રવાર, 26 જૂન, 2026

ભુજ : જાનલેવા હુમલામાં આરોપીને ત્રણ વર્ષની કેદ : 20 હજારનો દંડ

ભુજ, તા. 25 : બે વર્ષ પૂર્વે ભુજના જ્યુબિલી સર્કલ પાસે છરી વડે જાનલેવા હુમલાના કેસમાં આરોપી નિઝામ અબ્દુલગની મોગલને કોર્ટે કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા 20 હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ ટ્રક વેચાણનો રૂા. 8.35 લાખનો ચેક પરત કરવાના કેસમાં મોટી ખાખરના આરોપી ભટ્ટી અલીમામદ ઉસ્માન (ઓસ્માણ)ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.ગત તા. 22/7/24ના સાંજના અરસામાં ભુજના જ્યુબિલી સર્કલ પાસે ફરિયાદી ભાવેશભાઈ પરમાર ઉપર આરોપી નિઝામ મોગલે અન્ય આરોપી સાથે મળી જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરતાં ભાવેશને ડાબા હાથમાં છરીથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. બી-ડિવિઝનમાં ગુનો દાખલ થયા બાદ આ કેસ જિલ્લા અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા રૂા. 20 હજારનો દંડ ફટકાર્યો છે. ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ડી. જે. ઠક્કર તથા મૂળ ફરિયાદી તરફે વકીલ તરીકે માવજી ડી. છાંગા (આહીર) તથા સોનલ જે. વાલાણી હાજર રહ્યા હતા. આ ઉપરાંત નખત્રાણાના શાંખલા પ્રવીણકુમાર નારણભાઈએ પોતાની ટ્રક કિં. રૂા. 8,35,000વાળી આરોપી ભટ્ટી અલીમામદ ઉસ્માન (ઓસ્માણ) (રહે. મોટી ખાખર)ને વેચાણે આપી હતી. આ વેચાણ કિંમતની રકમનો આપેલો ચેક પરત ફરતાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં અધિક ચીફ જ્યુ. મેજિ. કે. સી. જોશીએ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. 8.35 લાખ ફરિયાદીને ચૂકવવા અને જો રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર, કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. 

Panchang

dd