ગાંધીધામ, તા. 25 : અંજારના સતાપર નજીક ડુપ્લિકેટ
દારૂની ફેક્ટરીના પ્રકરણમાં સ્ટીકર, કેમિકલ, ઢાંકણા વગેરે ક્યાંથી આવ્યા હતા તેની પોલીસે
તપાસ હાથ ધરી છે. સતાપર નજીક ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેકટરીના પ્રકરણમાં પોલીસે સુનીલ
શામજી માતા (આહીર) તથા રમજાન હમીર જુણેજાને પકડી પાડયા હતા અને રૂા. 8,79,640નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
સુનીલ તથા અંતરજાળનો કિશોર નાગજી વ્યાસ (મારાજ) અગાઉ ફ્લિપકાર્ટમાં નોકરી કરતા હતા
ત્યારે કિશોર તથા રાજેશ ઉર્ફે રાજુ, રઘુ પ્રજાપતિએ સતાપરના તારા વાડામાં દારૂ બનાવવાનું કારખાનું કરીશું અને તારો
ભાગ આપશું તેવી વાત બે-એક મહિના અગાઉ કરી હતી અને થોડા સમય પહેલાં આ ફેક્ટરીનું ઉદ્ઘાટન
કરવામાં આવ્યું હતું. દરમ્યાન એલસીબીએ દરોડો પાડીને આખી બાજી બગાડી નાખી હતી. પકડાયેલા
આ બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ શખ્સોએ કેમિકલ,
ઢાંકણા, સ્ટીકર, ખાલી બોટલ,
ફિલિંગ મશીન વગેરે સામાન ક્યાંથી કોની પાસેથી લીધો હતો તેમજ હાથમાં ન
આવેલા કિશોર, રાજુને પકડી પાડવા આગળની તપાસ ગાંધીધામ એ-ડિવિઝનને
સોંપવામાં આવી છે.