ભુજ, તા. 23 : ગઇકાલે ભુજના સેવનસ્કાય પાસે
બલ્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ભુજના પચાસ વર્ષીય આધેડ
સુખદેવસિંહ રામસિંહ જાડેજાનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ
હતી. ઉપરાંત લુણવા-આંબરડી ધોરીમાર્ગ ઉપર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જસીબેન
ગોપાલભાઈ ઉંદરિયા (આહીર) (ઉ.વ. 42)નુ મૃત્યુ થયુ હતું. ભુજના એરપોર્ટ રોડ પર જ આવેલી શિવ આરાધના
સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ જાડેજા ગઇકાલે બાઇક નં. જી.જે.- 12-બી.ઇ.-4634 મારફત નોકરી પર જવા નીકળ્યા
હતા અને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સેવનસ્કાય પાસે જય માતાજી કેફે હોટલની સામે જ
બલ્કર નં. જી.જે.-12-બી.વાય.-
6649વાળાએ અડફેટે લેતાં ગંભીર રીતે
ઘાયલ સુખદેવસિંહને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. માથામાં ગંભીર
ઇજાનાં પગલે સુખદેવસિંહ કોમામાં સરી પડયા હતા. આજે સવારે સારવાર દરમ્યાન તેમનું મોત
નીપજતાં દેહને પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ અવાયો હતો. એ-ડિવિઝન
પોલીસે ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી આદરી હતી. બીજીતરફ ભચાઉ તાલુકાના લુણવા-આંબરડી
રોડ ઉપર ગત તા. 21/6ના સવારે
11.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો
હતો. મૃતક જસીબેન પોતાના પુત્ર મુકેશભાઈ ઉંદરિયા સાથે મોટર સાઈકલ જી.જે.- 12-ડી.પી.-6776 ઉપર બેસીને કબરાઉ ગામમાં દર્શન અર્થે જતા હતા. માર્ગ ઉપર અચાનક
શ્વાન આવી જતાં વાહનચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જસીબેન મોટરસાઈકલ ઉપરથી નીચે પડી જતાં
તેમને માથાંના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી
હતી. તેમને સારવાર કારગત નીવડે તે પેહલાં તેમણે
આંખો મીંચી લીધી હતી. પોલીસે મોહનભાઈ સામતભાઈ ઉંદરિયાની ફરિયાદના આધારે વાહનચાલક વિરુદ્ધ
ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.