મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 23 : પૂર્વ કચ્છના વાગડ પંથક તથા અંજાર અને ગાંધીધામ આસપાસના પટ્ટામાં છેલ્લા લાંબા સમયથી
ખનિજ માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર બેફામ બન્યા છે. દરરોજ લાખો ટન કુદરતી સંપત્તિનું
બિનઅધિકૃત રીતે ખનન કરી સરકારી તિજોરીને કરોડોનો ધૂંબો મારવામાં આવે છે. આશ્ચર્યની
વાત એ છે કે, તંત્ર દ્વારા કોઈ જ ખાસ
અને કડક ઝુંબેશ હાથ ધરી આવા ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી કરાતી નથી. - પર્યાવરણ ખતરામાં, અબોલ જીવો મુશ્કેલીમાં : વાગડ અને અંજાર, ગાંધીધામ પટ્ટામાં રાત-દિવસ થતાં બિનઅધિકૃત
રીતે ખનનના કારણે ભૌગોલિક સ્થિતિ ખૂબ જ બગડી છે. જમીનોમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા
છે, જેના કારણે પર્યાવરણીય સંતુલન જોખમાયું છે. સ્થાનિક વન્યજીવો
અને અબોલ પશુઓ માટે આ ગેરકાયદેસર ખનન કાળ સમાન સાબિત થઈ રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા
કરાતા મોટા ખાડાઓમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે, જેમાં લોકો
તથા અબોલ જીવ અકાળે મૃત્યુ પામે છે છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી કે પછી પ્રસાદી કામ કરી
જાય છે તે પ્રશ્ન છે. - ઓવરલોડ વાહનોનો
આતંક : હાઈવે-ગ્રામ્ય રસ્તા બન્યા મરણિયા : ખનિજ માફિયાઓ દ્વારા માટી,
રેતી, જીપ્સમ, ચાઈનાક્લે
મીઠાંની ચોરી કરીને તાળપત્રી ઢાંક્યા વગર જ બેફામ ગતિએ ઓવરલોડ વાહનો દોડાવવામાં આવે છે જેના કારણે ચોબારી, કડોલ, બાનિયારી, વોંધ, કાંઠા વિસ્તાર, કકરવા, નારણસરી,
ભરુડિયા, આધોઈ, સૂરજબારી,
શિકારપુર, વાંઢિયા તેમજ શિણાય, વીડી, મીઠી રોહર, ખારી રોહરના અનેક
માર્ગો સંપૂર્ણ તૂટી ગયા છે. - તૂટેલા માર્ગો થકી અનેકના જીવ ખપ્પરમાં હોમાયા છે ! : તૂટેલા રસ્તાઓનાં કારણે દ્વિચક્રીય વાહનચાલકોને
ભારોભાર સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. તેમાંય સામેથી તોતિંગ વાહનો આવતાં હોય
તો ન છૂટકે જીવ બચાવવા આવા દ્વિચક્રીય વાહનચાલકોને રોડથી નીચે ઊતરી જવા મજબૂર બનવું
પડતું હોય છે. તૂટેલા રોડ, ઢોળાતા મીઠાં, ખનિજનાં કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો પણ સર્જાયા હોવાનું લોકો જણાવી રહ્યા
છે. આવા તૂટેલા માર્ગો વર્ષોથી એ જ હાલતમાં પડયા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
- મીઠાંનાં ઓવરલોડ વાહનો થકી
જમીનો ઉજ્જડ બની રહી છે : મુખ્ય માર્ગો પરથી પસાર થતાં મીઠાંના ઓવરલોડ
વાહનોમાંથી મીઠું રસ્તા પર અને આસપાસનાં ખેતરોમાં ઢોળાય છે, જેના કારણે ફળદ્રુપ અને ઉપજાઉ જમીનો ક્ષારયુક્ત
બની રહી છે અને ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. - ભ્રષ્ટાચાર પ્રવૃત્તિઓ સીસીટીવીમાં
કેદ, છતાં તંત્રનું મૌન અકળાવનારું : વાગડ હોય
કે અંજાર કે ગાંધીધામ આવી ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓનું પરિવહન ધોરીમાર્ગો ઉપર થાય છે.
પૂર્વ કચ્છના લગભગ તમામ શહેરોમાં પોલીસના તથા ખાનગી સીસીટીવી કેમેરા લાગેલા છે તેમજ
તમામ ટોલ બૂથ ઉપર પણ આ ત્રીજી આંખ હયાત હોય
છે, જે બધું જોતી હોય છે. ત્યારે આવા બિનઅધિકૃત
ખનન, ઓવરલોડ વાહનો, કૌભાંડને રોકવામાં તંત્ર
કેમ નાકામ સાબિત થઇ રહ્યું છે ? માફિયાઓને કોઇ રાજકીય કે વહીવટી
પીઠબળ છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. - આવા બેફામ તત્ત્વોની બેફામ કામગીરી પર રોક ક્યારે તે પ્રશ્ન : ચોમાસાની
ઋતુ માથે આવીને ઊભી છે, ત્યારે વધુ
ખાડા ખોદાય તે પહેલાં આવી કામગીરીમાં વપરાતા જેસીબી, હિટાચી,
લોડર, ટ્રેક્ટર, ટ્રેઇલરો
કે ડમ્પરો જેવાં વાહનોને તાત્કાલિક જપ્ત કરાય અને ખનિજ માફિયાઓ સામે કડક પગલાં લેવામાં
આવે. આવા માફિયાઓ સામે ધાક બેસે તેવી નસિયતરૂપ કાર્યવાહી ક્યારે કરાશે તેવું લોકો પૂછી
રહ્યા છે.