અંજાર, તા. 5 : શહેરના ગંગાનાકા વિસ્તારમાં થયેલાં અતિક્રમણ
ઉપર વહીવટીતંત્રે બુલડોઝર ફેરવીને સરકારી જમીનને
દબાણમુક્ત બનાવી હતી. શહેરના વિવિધિ વિસ્તારોમાં
વ્યાપક પ્રમાણમાં દબાણો થયા છે. અલબત્ત
આ દિશામાં વહીવટીતંત્ર દ્વારા નક્કર કાર્યવાહી
કરવામાં આવતી નથી,
જેના કારણે દબાણકારો મોકળું મેદાન
મળ્યું છે. અંજાર-ભુજ જતાં ગંગાનાકા વિસ્તારમાં એસ.ટી. બસ સ્ટોપ પાસે પ્રવાસીઓ
માટે વર્ષોથી સુવિધા માટે બનાવેલ એસ.ટી. બસ સ્ટેશન ભૂકંપ બાદ રિપેરિંગ ન થતાં એકદમ
જર્જરિત હાલતમાં હતું. આ સ્ટેશનને તોડીને રાતોરાત
પાકી દુકાનો અને કેબિનો ગોઠવાઈ હતી. આ દબાણ અંગે જાગૃત નાગરિકોએ ફોટો સાથે ફરિયાદ કરી
તંત્ર સમક્ષ દબાણ દૂર કરવા માંગ કરાઈ હતી. તંત્રે નોટિસ આપ્યા બાદ આજે દબાણ હટાવવાની
કામગીરી તળે એક પાકી દુકાન અને બેથી ત્રણ કેબિન હટાવીને એસ.ટી. સ્ટોપની જગ્યાને ખુલ્લી
કરાવી હતી. નોંધપાત્ર છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણની
બદીએ માથું ઊંચક્યું છે, ત્યારે આવાં દબાણો ઉપર ક્યારે કાર્યવાહી
કરાશે, તેવો સવાલ નાગરિકોએ ઉઠાવ્યો હતો.