નખત્રાણા, તા. 22 : અહીંની પોલીસ લાઈનમાં
આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધો. 8 વચ્ચે એક જ શિક્ષક મુદ્દે નારાજ વાલીઓએ સોમવારે શાળાને તાળાબંધી કરી હતી.
જો કે, શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા દરમ્યાનગીરી
બાદ સમાધાન થતાં મામલો થાળે પડયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે
પ્રવેશોત્સવ, નિ:શુલ્ક પુસ્તકો, શૈક્ષણિક
સહાયની યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, પરંતુ ખાટલે મોટી ખોટ કે શાળાઓમાં
શિક્ષકોની ઘટ મુદ્દે કોઈ કાયમી ઉકેલ આવતો ન હોવાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી
રહી છે. શહેરની પોલીસ લાઈનમાં હાલ બાલવાટિકાથી ધોરણ 8 વચ્ચે એક જ શિક્ષક હોવાથી વાલીઓમાં અસંતોષનો ચરૂ ઊકળતાં
મોટી સંખ્યામાં વાલીઓએ ઘેરાવ કરી શાળાને તાળાબંધી કરી હતી. જર્જરિત ઓરડાના કારણે બાળકોને
પ્રખર તાપમાં બેસવું પડે છે. આ બાબતે પણ વાલીઓમાં ઉગ્ર વિરોધ બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓએ
દોડી આવી સમસ્યા નિવારણની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો. બીજી તરફ તાલુકા શિક્ષક
સંગઠનના પ્રમુખ રામુભા જાડેજાએ શિક્ષકોની ઘટની અસર બાળકોના અભ્યાસ પર પડતી હોવાનું
જણાવી શિક્ષણ વિભાગને જાણ કરી હોવાનું કહ્યું હતું.