• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ધાણેટીના કાચા માર્ગે એક્ટિવા ચાલકને ડમ્પરે ટક્કર મારતાં મોત

ભુજ / ગાંધીધામ, તા. 26 : આજે બપોરે ભુજ તાલુકાના નવી ધાણેટીના કાચા માર્ગે એક્ટિવા ચાલક એવા ધાણેટીના 45 વર્ષીય યુવાન ભરતભાઇ ભાનુશાલીને ડમ્પરે ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે રાપરના આડેસર-રાપર રોડ હનુમાન પાટિયા પાસે કાર પલટી જતાં રમેશ ભીખા મકવાણા નામના યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. નાડાપા બાજુ વાડીવિસ્તારમાં મજૂરીકામ કરતા ભરતભાઇ ભાનુશાલી આજે બપોરે એક્ટિવા લઇ નવી ધાણેટીના કાચા માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતાં ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતાં ભરતભાઇને ગંભીર ઇજા પહોંચતાં 108 મારફત સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લવાયા હતા પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં ભરતભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે. બીજીતરફ સણવામાં રહેનાર રમેશભાઇ મકવાણા તથા તેમનો ભત્રીજો દેવેન્દ્ર પોતાના શેઠની ગાડી જી.જે.-12-ડી.એસ.- 2599 લઇને રાપર બાજુ જવા નીકળ્યા હતા. રમેશે રાપર ખાતે પાવરટ્રેક કંપનીના શોરૂમમાં ટ્રેક્ટર બૂક કરાવ્યું હતું જેનાં પગલે બંને નીકળ્યા હતા. આ કાર ભીમસર નજીક પહોંચતાં કૂતરું આડું આવતાં ચાલક દેવેન્દ્રએ બચાવવા કટ મારતાં તેના કબજાની કાર રોડ કૂદી ખેતરમાં જઇને પડી હતી, જેમાં આ બંનેને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે પલાંસવા લઇ જવાતાં ફરજ પરના તબીબે રમેશને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેના ભત્રીજાને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે કાંતિ ભીખા મકવાણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

Panchang

dd