• બુધવાર, 13 મે, 2026

ગંગોત્રીથી ગંગાસાગર ભાજપનો અશ્વમેધ

સંપાદકીય.. કુંદન વ્યાસ : પાંચ વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના નામના ડંકા વગડયા છે. સંવિધાન અને લોકતંત્ર ખતરામાં હોવાના - હોકારા - દેકારા બોલાવનારા વિપક્ષી નેતાઓને બંગાળના મતદારોએ જબરજસ્ત જવાબ આપ્યો છે. માત્ર બહુમતી નહીં, બે તૃતીયાંશ બહુમતી આપીને રાષ્ટ્રવાદનો સંદેશ આપ્યો છે, ગર્જના કરી છે. જેના પડઘા દેશ ઉપરાંત દરિયાપારના દેશોમાં વસેલા અથવા સહેલગાહે જતા નેતાઓના કાનમાં પડયા જ હશે. ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ વિવાદ ભડકાવીને વોટ મેળવવાની બાજી પણ ઊંધી વળી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ઘૂસણખોરો વીણી-વીણીને સરહદ પાર થશે પણ સ્થાનિક લોકો સાથે ધર્મના નામે ભેદભાવ નહીં હોય. સબકા સાથ - સબકા વિકાસ. ભાજપ સરકાર માટે હવે હિંસાચાર ભડકાવવાની, હુલ્લડ કરવાની વિરોધીઓની યોજનાઓ નિષ્ફળ બનાવીને નૂતન બંગાળમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની કસોટી છે. આશા રાખીએ તેમાં સફળ થાય અને નૂતન બંગાળનું - સર્જન કરીને - અસલી સેક્યુલરવાદ બનાવે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ સાથે યોજાયેલી સાત પેટાચૂંટણીઓમાંથી પાંચ જીતી એનડીએએ રંગ રાખ્યો છે. મહારાષ્ટ્રના બારામતીમાં અજિત પવારના મૃત્યુને પગલે ખાલી પડેલી બેઠક પર તેમનાં પત્ની અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર સામે અન્ય કોઈ રાજકીય પક્ષે ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. સુનેત્રા પવાર આ ચૂંટણી ધાર્યા પ્રમાણે જ મોટા માર્જિનથી એટલે કે 2.18 લાખ મત તફાવતથી જીત્યાં. ગુજરાતના ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના હર્ષદ પરમાર  કોંગ્રેસના ભૃગુરાજાસિંહ ચૌહાણ સામે 30 હજારથી વધુ મતોના અંતરથી વિજયી થયા. નાગાલેન્ડ અને ત્રિપુરાની કોરીડાંગ અને ધર્મનગર એમ બંને બેઠક ભાજપે અંકે કરી. કર્ણાટકના બાગલકોટ અને દાવણગીરી (દક્ષિણ) બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. આ બંને બેઠકો કોંગ્રેસના પ્રતિનિધિના અવસાનને કારણે ખાલી પડી હતી અને અહીં ભાજપ સામે તેમની સીધી ટક્કર હતી. આમ, પેટાચૂંટણીમાં પણ કેસરિયો લહેરાયો હતો.

ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ ભાજપ માટે ભારે પ્રોત્સાહક, શક્તિવર્ધક છે. ભગવો ઝંડો નવાં શિખર સર કરીને ઉન્નત મસ્તકે વિજયમાળા પહેરીને લહેરાય છે.

ઉત્તરાખંડમાં ગંગોત્રીથી પશ્ચિમ બંગાળમાં મહાસાગર સાથેના સંગમ સુધી ભાજપનું શાસન સ્થાપિત થયું છે. આ અશ્વમેધની સફળતાનો યશ વડાપ્રધાન મોદીએ ભાજપના અસંખ્ય કાર્યકરો અને શુભેચ્છકોને આપ્યો છે. અલબત્ત, નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વ્યૂહ, અથાક પ્રયાસ - પરિશ્રમનું આ પરિણામ છે. મોદી-અમિત શાહની જોડીમાં યોગી અને રાજનાથસિંહનું પણ યથાશક્તિ યોગદાન છે. ઉત્તરાખંડથી ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ઓડિશા પછી અશ્વમેધે બંગાળ સુધી વિજયપતાકા લહેરાવી છે : રાષ્ટ્રવાદનો વિજય અને વંદે માતરમ્ની ગુંજ સંભળાવી છે.

સૌથી મોટો અને મહત્ત્વનો વિજય પશ્ચિમ બંગાળમાં મતદારોએ આપ્યો છે ! પંદર વર્ષ મમતા દીદીગીરી સહન કર્યા પછી ધાકધમકી અને હિંસાચાર, ભ્રષ્ટાચારના જવાબમાં મતદારોએ તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીને યોગ્ય સજા કરી છે. એમના અહંકાર, ઘમંડને ઘાસના તણખલાની જેમ ઉડાવી દીધું છે. બંગાળની જેમ તામિલનાડુમાં પણ ડીએમકેના મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિન પણ પદભ્રષ્ટ થયા છે. વિરાટ સામે વામન જેવા જોસેફ વિજય ચન્દ્રશેખર અભિનેતામાંથી નેતા બન્યા છે. હવે ભાજપ પ્રેરિત ઓલ ઇન્ડિયા મુનેત્ર કડગમના મોરચા સાથે વિજય હાથ મિલાવે તેવી શક્યતા છે, ત્યારે પદભ્રષ્ટ થનારા ત્રીજા મુખ્યપ્રધાન કેરલમના વિજયન પીનારાઈ છે. કેરલમમાં કોંગ્રેસને સત્તાની સહાનુભૂતિ મળી છે. આસામમાં હિમંતા બિસ્વા સરમાએ ભાજપની સત્તા જાળવી રાખી છે.

પ. બંગાળ ઉપર સૌની નજર હતી. પંદર વર્ષ દરમિયાન મમતા બેનરજી `દીદી' બન્યાં. પૂર્વ ભારતમાં ભાજપનો પ્રસાર આસાન ન હતો પણ ઓડિશા પછી માર્ગ મોકળો બન્યો. હકીકતમાં 2014માં લોકસભામાં બહુમતી મેળવ્યા પછી નરેન્દ્રભાઈના લક્ષ્ય ઉપર ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ હતા. આઝાદી સંગ્રામમાં અગ્રણી એવા બંગાળમાં `વંદે માતરમ્'નો સ્વર અને સંદેશ ગાજવો જ જોઈએ, પણ છેલ્લાં પચાસ વર્ષમાં ડાબેરી-માર્ક્સવાદી શાસન પછી પંદર વર્ષ અગાઉ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર આવી - પણ ભ્રષ્ટાચાર અને હિંસાચારમાં ડાબેરીઓને ભૂલાવી દીધા! શિક્ષકોની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર અને ચલણી નોટોના ખડકાયેલા ઢગલાનાં દૃશ્ય સમસ્ત દેશના લોકો ભૂલશે નહીં. આ ચૂંટણીમાં ભાજપનો પડકાર - ભય ગંભીર હોવાથી લક્ષ્મી ભંડાર, સ્વાસ્થ્ય સાથી, યુવા સાથી જેવી યોજનાઓ જાહેર કરી. પણ રાજ્યનાં બજેટમાં સૌથી મોટી ફાળવણી મુલ્લા, મૌલવી અને મસ્જિદના વિકાસ માટે થઈ હતી.

મમતાદીદીને ચૂંટણીપંચ દ્વારા થયેલી મતદારયાદીની ચકાસણી અને કાપકૂપ નડી ગઈ. એમણે ચૂંટણીપંચ ઉપરાંત કેન્દ્રીય એજન્સી ઈડી અને સીબીઆઇ સામે જેહાદ જગાવી. રાજ્ય વિ. કેન્દ્રનો વિવાદ ભડકાવવાના પ્રયાસ કર્યા. પણ સુપ્રીમ કોર્ટે વારંવાર એમને ઠપકા આપ્યા. લોકતંત્ર માટે એમની રીતભાત ખતરનાક હોવાનું જણાવ્યું પણ મમતાની ચાલ સંભવિત અથવા નિશ્ચિત હાર માટે બહાના તૈયાર કરવાની હતી !

અમિત શાહે બાંગલાદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને સરહદ પાર ધકેલવાની જાહેરાત કરી ત્યારે મમતા અને એમના પ્રધાનો મુસ્લિમ વોટ બેન્કની હિમાયત કરતા રહ્યા અને હિન્દુ મતદારોના ઘરમાં ઘૂસીને બળાત્કાર - હિંસાચારની ધમકી આપતા રહ્યા. આ મુખ્ય કારણ છે કે હિન્દુઓ જાગ્યા. ઊભા થયા અને વોટ આપવા બહાર આવ્યા! રાહુલ ગાંધી પણ કહે છે કે, મમતાએ ધ્રુવીકરણ કરીને બંગાળ ભાજપના હાથમાં મૂકી દીધું?

2021માં વિધાનસભામાં ભાજપની બેઠકો 27થી વધીને 77 થઈ હતી. હવે બે તૃતીયાંશની બહુમતી છે. અલબત્ત, ભાજપ સરકારની હવે કસોટી છે ! બંગાળનું નવસર્જન કરવું છે.

તામિલનાડુમાં ડીએમકે સરકાર રાહુલ ગાંધીના ઇન્ડિ-મોરચામાં મજબૂત પાયા જેવી હતી. મુખ્યપ્રધાનના પાટવી કુંવર ઉદયનિધિ તો સનાતન ધર્મ સામે જેહાદ ચલાવતા હતા. ડીએમકેના મોરચામાં છૂટક દ્રવિડ પક્ષો તથા કોંગ્રેસ છે. આ સમૃદ્ધ રાજ્યમાં કેટલાક પ્રધાનો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ સાથે પણ ઘણી ખેંચતાણ થઈ હતી. 2021ની ચૂંટણીમાં ડીએમકેને 133 બેઠકો મળી હતી અને ઓલ ઇન્ડિયા ડીએમકેને માત્ર 66 મળી હતી. આ વખતે અનુક્રમે 60 અને 47 મળી છે. પણ ત્રીજા ખૂણે અભિનેતા જોસેફ વિજય ચન્દ્રશેખર છે. ફિલ્મ કારકિર્દીમાં જનતાના હમદર્દીની ભૂમિકા ભજવીને તેઓ લોકપ્રિય બન્યા છે. યુવા-યુવતીઓ અને મહિલાઓનો મોટો વર્ગ એમનો સમર્થક છે, તેથી સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યા છે.

વિજયે ચૂંટણીની પ્રચાર સભામાં કહ્યું હતું કે, ડીએમકે મારા રાજકીય શત્રુ - એનીમી છે અને ભાજપ સાથે સૈદ્ધાંતિક, નીતિવિષયક મતભેદ છે. હવે સરકારની સ્થિરતા માટે એમણે બાંધછોડ તો કરવી પડશે !

કેરલમમાં તો ડાબેરી અને કોંગ્રેસના મોરચા વારાફરતી સરકાર બનાવે છે પણ 2021માં ડાબેરીઓએ સતત બીજી વખત સત્તા મેળવી હતી. હવે ડાબેરીઓની સંખ્યા 92થી ઘટીને 35 થઈ છે. અત્યાર સુધી પ. બંગાળ, ત્રિપુરા અને હવે કેરલમ ગુમાવ્યા પછી ડાબેરીઓ ક્યાંય સત્તામાં નથી. અમિતભાઈ શાહે નક્સલવાદીઓને શાંત-ડાહ્યા-ડમરા બનાવી દીધા પછી હવે ડાબેરીઓને પણ સત્તામુક્ત કર્યા છે, છતાં શહેરી વિસ્તારોમાં એમની વગ વધે નહીં તે જોવાનું છે.

કેરલમના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન સામે પ્રણાલી મુજબ પરિવર્તનનો પવન હતો, ઉપરાંત સબરીમાલાના સુવર્ણ ભંડારની ચોરી અને મુસ્લિમો તરફી નરમ વલણ ભારે પડયું. ભાજપે ત્રણ બેઠકો જીતી છે તે શરૂઆત ગણાય છે.

આસામમાં ભાજપના હિમંતા બિસ્વા સરમાએ 2021માં 126 સભ્યોની વિધાનસભામાં 60 બેઠકો મેળવી હતી. આ વખતે 82 રેકોર્ડ છે. મુખ્યપ્રધાન કુશળ વહીવટકર્તા છે. હિન્દુ-મુસ્લિમ વિવાદ શરૂ થયો, ઘૂસણખોરોનો પ્રશ્ન પણ છે. છતાં ત્રીજી વખત ભાજપ સરકાર આવી રહી છે.

Panchang

dd