• મંગળવાર, 24 માર્ચ, 2026

મહિલા અનામતનો કાયદો લાગુ કરવા તૈયારી

નવી દિલ્હી, તા. 23 : દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે દેશની મોદી સરકાર લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે મહિલા અનામત કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ સરકાર 2011ની વસ્તી ગણતરીના આધાર પર આ કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ કાયદો અમલી થાય તો સંસદમાં મહિલાઓની ભાગીદારીમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. લોકસભામાં બેઠકો વધીને 816 થઈ જશે. અહેવાલ અનુસાર પ્રસ્તાવિત ઢાંચા હેઠળ લોકસભાની કુલ  બેઠક 543માંથી વધારીને 816 કરી શકાય છે. આ પગલું ભારતીય રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીને ઐતિહાસિક રીતે વધારનારું મનાઈ રહ્યું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે આ પહેલ મોદી સરકારના મહત્ત્વના દાવરૂપે જોવાઈ રહી છે. મહિલા અનામત કાયદા માટે વિપક્ષો અને તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસની મદદ માગીને તેને પણ રાજકીય રીતે મજબૂર બનાવવાની કોશિશ થઈ રહી છે. હકીકતમાં, 2023માં પસાર કરાયેલા આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરાઈ હતી. જો કે, આ જોગવાઈ લાગુ કરવાની શરત નવી વસ્તી ગણતરી અને સીમાંકન સાથે જોડાઈ હતી. એ જ કારણે હજુ સુધી આકાયદો અમલી થઈ શક્યો નથી. હવે કેન્દ્ર સરકારે શરતમાં સુધારા કરીને શક્ય તેટલું જલ્દી આ કાયદો લાગુ કરવાના વિકલ્પો શોધી રહી છે. સરકારનું લક્ષ્ય વર્તમાન બજેટ સત્રમાં જ કાયદામાં સુધારો કરીને સંસદના નીચલા ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારી શકાય તે માટે વિધેયક લાવવાનું છે. સીમાંકન પહેલાં મહિલા અનામત લાગુ કરવા માટે સંવિધાનમાં સુધારા કરવા પડશે જેના માટે સંસદના બન્ને ગૃહમાં બહુમત જરૂરી છે. પૂરતી સંખ્યાનું બળ નહીં હોવા છતાં સરકારને આશા છે કે, આ કાયદો બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરાવી લેવાશે.

Panchang

dd