એમ્સટલવીન (નેધરલેન્ડ), તા.18 : એફઆઇએચ હોકી
વર્લ્ડકપ-2026ના પૂલ ડીની ગુરુવારે રમાનારી
મેચમાં પરંપરાગત હરીફ ભારત-પાકિસ્તાન આમને-સામને હશે. સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા
માટે પાકિસ્તાન સામેનો આ મુકાબલો ભારતીય ટીમ માટે કરો યા મરો સમાન છે. ભારતીય ટીમ હાલ
પૂલ ડીમાં એક જીત અને એક હારથી ત્રણ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. વેલ્સ સામે 3-1થી વિજયી પ્રારંભ કરનારો હરમનપ્રિત
સિંઘની ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-4 ગોલની આંચકારૂપ
હાર સહન કરવી પડી છે. બીજી તરફ પાક. ટીમના ખાતામાં માત્ર એક અંક છે. તે ઈંગ્લેન્ડ સામે
1-4થી હાર્યું હતું અને વેલ્સ
વિરુદ્ધની મેચ ડ્રો થઇ હતી. ટૂર્નામેન્ટના નવા ફોર્મેટ અનુસાર પ્રત્યેક પૂલની ટોચની
બે ટીમ સેમિ ફાઇનલની રેસમાં બની રહેશે. નીચેનાં સ્થાન પરની બે ટીમ કલાસિફિકેશન મેચ
રમશે. ઇંગ્લેન્ડ બન્ને મેચ જીત પૂલ ડીમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. ભારતીય ટીમ પાક.
સામેની મેચ ડ્રો કરશે, તો પણ આશા
જીવંત રહેશે. પાછલા 10 વર્ષમાં પાક.
સામે ભારતીય હોકીએ દબદબો બનાવ્યો છે અને 19 મેચમાંથી 17માં જીત મેળવી
છે. જ્યારે બે ડ્રો રહી છે. આમ એક દશકથી પાક. ટીમ ભારત સામે જીતથી વંચિત છે. મેચ બુધવારે
ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યાથી
શરૂ થશે.