ગોલ, તા. 18 : શ્રીલંકા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં
ટીમ ઇન્ડિયાએ જીત ભણી આગેકૂચ કરી છે. મેચના ચોથા દિવસના અંતે 372 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાએ
84 રનમાં ચાર વિકેટ ગુમાવીને સંઘર્ષની
સ્થિતિમાં મુકાયું છે. ભારતને આવતીકાલે વિજય માટે છ વિકેટની જરૂર છે. શ્રીલંકા હજુ
પણ ભારતથી 288 રન પાછળ છે. ફકત વરસાદ જ તેને
હારથી બચાવી શકે છે. રમતના ચોથા દિવસે બોલરોના વર્ચસ્વ વચ્ચે કુલ 14 વિકેટ પડી હતી. ભારતનો બીજો
દાવ 193 રને સમાપ્ત થયો હતો, જેમાં રિષભ પંતના 66 રન મુખ્ય હતા. ભારતને 178 રનની સરસાઇ મળી હતી. આથી શ્રીલંકાને 372 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો
હતો. શ્રીલંકાએ બીજા દાવમાં નિશાન મદુશ્કા (6), લહિરૂ ઉદારા (16), અવેજી ખેલાડી પસિંદુ સૂર્યાબંદારા (0) અને કામિન્ડુ મેન્ડિસ (2) આઉટ થયા હતા. કપ્તાન ધનંજય
ડિસિલ્વા 31 અને પહેલા દાવમાં સદી કરનાર
સોનલ દિનુષા 25 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી માનવ
સુથારે બે વિકેટ લીધી હતી. જ્યારે સિરાજ અને કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા આજે
ભારતનો બીજો દાવ 48.પ ઓવરમાં
193 રને સમાપ્ત થયો હતો. રિષભ પંતે
69 દડામાં આઠ ચોગ્ગા, બે છગ્ગાથી 66 રન મુખ્ય હતા. જ્યારે દેવદત્ત
પડીક્કલે 44 અને કે.એલ. રાહુલે 3પ રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલ
ઝીરોમાં, કપ્તાન શુભમન ગિલ આઠ, ધ્રુવ જુરેલ સાત, રવીન્દ્ર જાડેજા નવ અને માનવ સુથાર
નવ રને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી અસિતા ફર્નાન્ડોએ ચાર અને પ્રભાસ જયસૂર્યાએ ત્રણ
વિકેટ લીધી હતી.