ગાંધીધામ, તા. 18 : લવજેહાદ અને ગેરકાયદેસર ધર્માંતરણની
પ્રવૃત્તિ રોકવાની કામગીરી કરનાર રાપર સામાજિક કાર્યકરને અજાણ્યા શખ્સોએ મોબાઈલ ઉપર
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હિન્દુ રક્ષક સંઘના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપતા
રિતેશભાઈ રાજુભાઈ પટેલે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા. 10/8ના રાત્રિના 11.31 વાગ્યાના અરસામાં બનેલા બનાવ
અંગે પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,
બે અજાણ્યા શખ્સે ફરિયાદીને ફોન કરીને ભૂંડી અને અશ્લિલ ગાળો આપી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી. રાપર તાલુકામાં બનેલા લવજેહાદના કિસ્સામાં ગત તા. 12/6ના સ્થાનિક પોલીસ મથક જઈને
ફરિયાદીએ જરૂરી કાનૂની કાર્યવાહી કરાવી હતી. આ પ્રકરણમાં અજમેર શરીફની દરગાહના એક ઈમામની
ધરપકડ પણ થઈ હતી. ત્યારબાદ ફરિયાદી તેમના પરિવાર સાથે ભોગ બનનાર પીડિતાને તેમના ઘરે
મોકલવામાં આવી હતી. આ કાર્ય પૂર્ણ થયા બાદ ફરિયાદીને ધમકી મળી હતી. આ વેળાએ આરોપીએ
ગુજરાતમાં ટેરર અટેક કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે.