ગાંધીધામ, તા. 18 : ગાંધીધામના શિવાજી પાર્ક બગીચાની
સામે આવેલી મેકઅપની દુકાનના દુકાનદાર દ્વારા
પાણીનો બગાડ કરવામાં આવતાં વહીવટીતંત્ર દ્વારા 10000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે આદિપુર સાધુ વાસવાણીનગરમાં જેસીબીથી
રોડ ખોદવામાં આવ્યો તેમ છતાં કોર્પોરેશન દ્વારા પગલાં ન ભરવામાં આવતાં અનેક સવાલો ઊઠી
રહ્યા છે. શહેરના શિવાજી પાર્ક બગીચા સામે આવેલ જાનવી મેકઅપ શોપ દ્વારા પાણીનો વેડફાટ
કરવામાં આવતાં કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને દંડની વસૂલાત કરી હતી. ટાંકી
ભરાઈ જવા છતાં બંધ ન કરતાં પાણી રોડ ઉપર વેડફાયું હતું, જેના
પગલે આ દંડાત્મક કાર્યવાહી કરીને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. પાણી બગાડ રોકવા
તથા સ્વચ્છતા જાળવવા માટે દંડાત્મક કાર્યવાહી આવશ્યક છે અને પાલિકા કરી પણ રહી છે,
પરંતુ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે તંત્ર ધૃતરાષ્ટ્રની
ભૂમિકામાં હોવાથી સવાલો ઊભા થઈ રહ્યા છે. આદિપુરના સાધુ વાસવાણીનગરમાં જેસીબીથી રોડ
તોડવામાં આવ્યો હતો. અહીં કયાં કારણોસર રોડ તોડવામાં આવ્યો? જેસીબી
કોણે મોકલાવ્યું હતું ? તે સહિતના અનેક સવાલો છે. કોર્પોરેશનના
આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવેલા એન્જિનીયરે સ્થળ નિરીક્ષણ કરીને રોડને નુકસાન પહોંચાડનાર
સામે કાર્યવાહી કરવી જરૂરી છે. અલગ-અલગ વિસ્તારોમાં જો આવું કરવામાં આવશે તો સરકારી
સંપત્તિને નુકસાન પહોંચશે તો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાલિકાની ગંભીર બેદરકારીના
કારણે હવે દબાણો પણ થઈ રહ્યાં છે. ખરેખર કોર્પોરેશન દ્વારા આળસ ખંખેરીને પગલાં ભરવા
જરૂરી છે, નહિતર જે સ્થિતિ નગરપાલિકા વખતે હતી તે હવે મહાનગરપાલિકા
વખતે પણ થઈ રહી છે. તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીની
મહેનત ઉપર પાણી ફરી રહ્યું હોવાનો વર્તારો જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરના બદલે ઈમારતના જવાબદારોને દંડ ફટકાર્યો
ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધી ડામર રોડનું કામ હલકી
ગુણવત્તાનું થયું તેવા ગંભીર આક્ષેપ વચ્ચે ઈમારતના માલિકે રેતીનું ડમ્પર ખાલી કર્યું
ત્યાં ડામર રોડ બેસી ગયો છે અને પેવરને પણ નુકસાન થયું છે. અહીં રોડ બેસી જવાના મામલામાં
કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ
છે. 30 ટનના વજનથી જો રોડ બેસી જતો
હોય તો શહેરમાં માલસામાન લઈને આવું મુશ્કેલ છે. અહીં તંત્રે કોન્ટ્રાક્ટરને બચાવવા
માટે ઈમારતના જવાબદારને 25000 રૂપિયાનો
દંડ ફટકાર્યો હોવાના ગંભીર આક્ષેપો છે. કમિશનર તપાસ કરે તેવી માંગ ઊઠી છે.