• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

સરકારનાં નિરીક્ષણ હેઠળ માતાના મઢમાં પહેલી વખત પતરી લેવાઇ

માતાના મઢ, તા. 19 : આસો સુદ અષ્ટમીના 450 વર્ષ પૂર્વથી ચાલી આવતી રાજપરિવારની પરંપરા મઢમાં જળવાઇ હતી. આશ્વિન નવરાત્રિની આઠમની સવારે મ.કુ. હનુવંતસિંહજી જાડેજાએ પરંપરા મુજબ પતરીવિધિ સંપન્ન કરી ત્યારે મા આશાપુરાના જયઘોષથી મંદિર ગુંજી ઊઠયું હતું. આ વર્ષે ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર કલેક્ટર દ્વારા નિયુક્ત નિરીક્ષક એવા લખપત પ્રાંત અધિકારી અક્ષર ઠુમ્મરનાં માર્ગદર્શન હેઠળ વીડિયોગ્રાફી કરાવી આ વિધિની પરંપરા જાળવવામાં આવી હતી. સવારમાં ચાચરાકુંડ સ્થિત ચાચરાભવાની મંદિરે પૂજાવિધિ બાદ મા આશાપુરાજીનાં મંદિર તરફ ચામરયાત્રા નીકળી હતી. ચામરયાત્રામાં ક્ષત્રિય સમાજ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. ઘણા વર્ષો બાદ આ અલૌકિક માહોલ મઢમાં પાછો જોવા મળ્યો હતો. 8.30 કલાકે ચામરયાત્રા માતાજીનાં મંદિરે પહોંચી હતી. મંદિરના મુખ્ય ભૂવાજી ધ્રુવરાજસિંહ ચૌહાણે માતાજીના જમણા ખભે પતરીનો પ્રસાદ મૂક્યો હતો. ત્યારબાદ હનુવંતસિંહજીએ માતાજીની આરતી ઉતારી હતી અને ડાકના ખમકારા અને ઘંટના નાદે ચામરધારીએ માતાજી સમક્ષ ઝોળી પાથરી હતી. પાંચ મિનિટના સમયમાં માતાજીનો પતરીરૂપી પ્રસાદ ઝોળીમાં પડયો હતો. આ વેળાએ મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો માઇભક્તોએ માતાજીનાં નામનો જયઘોષ બોલાવ્યો હતો. પતરીવિધિ બાદ હનુવંતસિંહજી પરિવાર સહિત મંદિરના ગાદીપતિ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના યોગી પેલેસમાં શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ લીધા હતા. ચામરધારી સાથે કચ્છ ક્ષત્રિય સમાજના અગ્રણી નારાણજી કલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હઠુભા જાડેજા, ભુજ ન.પા. કારોબારી ચેરમેન કમલ ગઢવી, રાજપરિવારના પ્રતાપસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહજી, મેઘદીપસિંહજી જાડેજા, ઇન્દ્રજિતસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા (વિરાણિયા), મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, વિનોદભાઇ સોલંકી, ચત્રભુજભાઈ ભાનુશાલી, ટ્રસ્ટના મેનેજર મયૂરસિંહ જાડેજા, મૂળરાજસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, હિતુભા જાડેજા તેમજ એડવોકેટ શ્રી ભંડારકર, લખપત પ્રાંત અધિકારી અક્ષરભાઇ ઠુમ્મર, મામલતદાર નવીનચંદ્રભાઇ મારૂ, ગોપાલસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજપરિવારે હિંગલાજ માતાજીનાં મંદિરે આરતી દર્શન કર્યાં હતાં. સેકંડો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી હનુવંતસિંહના ઉતારા ઉપર ગયા હતા, ત્યાં પ્રસાદરૂપે સાકરનું પેકેટ અને આશાપુરી ધૂપ આપ્યા હતા. આ મુલાકાત બાદ મઢમાં પતરીવિધિ સંપન્ન ગણાય છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd