ભુજ/માતાના મઢ, તા. 17 : નવરાત્રિના
પર્વે આઠમના દિવસે કચ્છ કુળદેવીનાં સ્થાનક માતાના મઢ ખાતે રાજપરિવાર દ્વારા પતરી તથા
ચામરવિધિ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી પતરીવિધિ મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે
ગુજરાત હાઈકોર્ટે મહારાવ કુમાર હનુવંતસિંહજી આ વિધિ કરશે તેવો મહત્ત્વનો આદેશ આપ્યો
છે. કલેકટરે આ આદેશના પગલે લખપતના અજયકુમારને
અધિકૃત કર્યા છે. સંભવત: માતાના મઢમાં જ્યારથી આ વિધિ કરવાની શરૂ થઈ છે તેના
ઈતિહાસમાં પ્રથમવાર કલેકટર દ્વારા નિયુક્ત નિરીક્ષકની હાજરીમાં આ વિધિ હાથ ધરવાનો હુકમ
આપતો આ આખોય મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. માતાના મઢ ખાતે રવિવારે રાત્રે
સપ્તમીની રાત્રે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે બીડું હોમવાની સાથે નવરાત્રિ પર્વની
પૂર્ણાહુતિ થશે, તો સોમવારે આઠમના દિવસે
પારંપરિક પતરીવિધિ હાથ ધરવામાં આવશે. પતરીવિધિને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની
અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં 1પમી તરીખે હાથ ધરાયેલી સુનાવણીમાં આ વિધિ મહારાજ કુમાર હનુવંતસિંહજી
મદનસિંહજી જાડેજા હાથ ધરશે તેવો હુકમ આપ્યો છે. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના
કાયદેસરના વારસદારો અને અન્યો દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. મૂળ અપીલકર્તા
વતી હાજર રહેલા એડવોકેટ મેહુલ શરદ શાહે મ.કુ.
હનુવંતસિંહજી વતી એક સોગંદનામું રજૂ કર્યું હતું,
જેમાં જણાવાયું હતું કે, હનુવંતસિંહજીનું સ્વાસ્થ્ય
સારું છે અને પતરી-ચામરવિધિ સંપન્ન કરશે. આ હુકમ સામે વાંધો ઉઠાવાતાં ગુજરાત હાઇકોર્ટે
મહત્ત્વનો આદેશ આપી હનુવંતસિંહજી જાડેજાને પૂજાવિધિ કરવા માટેની મંજૂરી આપવા સાથે કલેક્ટર
કચ્છને એવો દિશાનિર્દેશ આપ્યો કે, તે અને એક જવાબદાર અધિકારીની
નિમણૂક કરી તેમની નિગરાનીમાં આ વિધિ સંપન્ન કરાવે. આ આદેશમાં એક મહત્વપૂર્ણે આદેશ એ
કરાયો છે કે મહારાવ પ્રાગમલજી ત્રીજાના વારસદારો તેમજ મહારાણી સામાન્ય નાગરિકની જેમજ
આ પૂજાવિધિમાં જોડાઇ શકશે. જો આ નિરીક્ષકને માલૂમ પડે કે, હનુવંતસિંહજી
પૂજા કરવા માટે અસમર્થ છે, તો આ અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા
જણાવાયું છે. નિરીક્ષકને વીડિયોગ્રાફી કરવાનો પણ આદેશ અપાયો છે. હનુવંતસિંહજી વતી ઉપસ્થિત
રહેલા એડવોકેટ યોગેશ ભંડારકરે આવા પ્રકારનો હુકમ આપ્યાને સમર્થન આપ્યું હતું. સ્વ.
મહારાવ પ્રાગમલજી ત્રીજાના વારસદારો વતી કૃતાર્થસિંહ જાડેજા સુનાવણી સમયે હાજર રહ્યા
હતા. દરમ્યાન કચ્છ કુળદેવી મા આશાપુરાજીનાં
સ્થાનક માતાના મઢે રવિવારે રાત્રે 8:30 કલાકે સપ્તમી હવનનો પ્રારંભ પરંપરા મુજબ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના
હસ્તે થશે. રાત્રિના 12:15 કલાકે બીડું
હોમાશે. બાદ હવનની પુર્ણાહુતિ થશે. મહંત ગાદીપતિ દ્વારા મા આશાપુરાજી તથા મા હિંગળાજ
માતાજીનાં મંદિરે આરતી ઉતારવામાં આવશે. સાતમની
આ રાત્રિએ દર્શન માટે મંદિરના કપાટ આખી રાત ખુલ્લા રહેશે. આસો સુદ આઠમ સોમવારે સવારે કચ્છ રાજપરિવારના મોભી
વડીલ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાના હસ્તે મા આશાપુરાજી સમક્ષ ઝોળી પાથરી પતરીવિધિ
કરવામાં આવશે. આઠમની સવારે ચાચરાકુંડ સ્થિત ચાચરા મંદિરે પૂજા-અર્ચના બાદ ચામર સવારી
નીકળશે. મા આશાપુરાનાં મંદિરે માતાજીના ભૂવા - તિલાટ પરિવારના સભ્ય દ્વારા આવળ નામક
વનસ્પતિના પાંદડા માતાજીના જમણે ખભે રાખવામાં આવે છે તેને પતરી કહેવામાં આવે છે. પરંપરા
મુજબ આ પતરીવિધિ કરવાનો અધિકાર એકમાત્ર કચ્છ રાજપરિવારના સીધીલીટીના વારસદારોને છે
તેવું 1942માં પ્રસિદ્ધ થયેલા મઢના પ્રથમ
પુસ્તકમાં લેખક ખરાશંકર જટાશંકર જોશીએ નોંધ્યું છે. વર્ષ 2009માં પતરીવિધિ કરવા રાજપરિવારના વડીલ મોભીએ અન્ય ભાયાત જાડેજાને
ચામર ઉપાડી પતરીવિધિ કરવાનું કહેતાં વિવાદ થયો હતો. આ વિવાદ ન્યાયાલયમાં પહોંચ્યો હતો.
વર્ષ 2009થી 2024 સુધી આ પરંપરા અનેક વખત તૂટી
છે. ગત આસો નવરાત્રિ વર્ષ 2025ના રાજ્યની
વડી અદાલતના સ્પષ્ટ આદેશ બાદ રાજવી પરિવારના હનુવંતસિંહજી જાડેજાએ પતરીવિધિ કરી હતી.
આસો નવરાત્રિના છઠ્ઠા નોરતાં સુધીમાં અંદાજે સાત લાખથી વધુ માઇભક્તોએ માતાજીનાં ચરણોમાં
શીશ નમાવી પોતાની મનોકામના પૂર્ણ કરી ચૂક્યા છે. રવિવારે અને સોમવારે હજારોની સંખ્યામાં
દર્શનાર્થીઓ માતાના મઢ આવશે.