ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં દક્ષિણ ભારતની શૈલીમાં બનેલું વોર્ડ-2બીમાં આવેલું સંતોષી માતાજીનું મંદિર આજે લોકોની આસ્થાનું એક મહત્ત્વનું સ્થાન બન્યું છે અને અબાલ-વૃદ્ધ સૌ કોઈમાં માતાજીની ભક્તિ પ્રત્યે જાગૃતિ આવી છે. મંદિરનું
નિર્માણ કરનારા અને મૂળ કેરેલાના વતની અને
શિપિંગ સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલા તુલસી સુજાને જણાવ્યું હતું કે, તેમના બંને બાળકના જન્મ બાદ બીમાર પડયાં હતાં.
પાડોશીઓના કહેવા મુજબ બંને વખતે સંતોષી માતાના
16 શુક્રવારનું વ્રત કર્યું
અને બાળકો સાજા થઈ ગયા, ત્યારથી
માતાજી પ્રત્યે શ્રદ્ધા હતી. આદિપુરમાં એક
નાની ડેરીમાં સંતોષી માતાની મૂર્તિ હતી, ત્યાં શુક્રવારે
દર્શન કરવા જતા હતા, પરંતુ એક વાટકીમાં મંદિરમાં દીવો
કરાતો હતો. તેમણે કેરલાથી દીવો લાવી આપવાની વાત કરી, પરંતુ ચોરી થવાના કારણે આ રીતે દીવો
કરતા હોવાનું જણાવાયું હતું. ત્યારથી આદિપુરમાં મંદિરના નિર્માણનો તેમણે સંકલ્પ લીધો.
વોર્ડ-2બીમાં એક ટ્રસ્ટનો પ્લોટ જંગલ જેવો પડયો
હતો, તે ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનીને સ્વખર્ચે સંતોષી
માતાજીના મંદિરનું નિર્માણ કરીને સંકલ્પ પૂરો
કર્યો હોવાનું જણાવ્યું હતું. આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં દક્ષિણ ભારતની પંરપરા મુજબ 25 વર્ષ પછી પુન: પ્રાણ પ્રતિષ્ઠા
કરવી પડે, જેથી ચેન્નાઈના એવોર્ડ વિજેતા
આર્કિટેક્ટને બોલાવીને દક્ષિણ ભારતની
શૈલીમાં મંદિરનું નિર્માણ કર્યું. આજે આ મંદિર લોકપ્રિય બન્યું છે. મંદિરની બાજુમાં
જ નવ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન
કરવામાં આવે છે.