નવી દિલ્હી, તા. 11 : જંતરમંતર
ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં આંદોલનમાં સામેલ થવા માટે આવેલા યુ-ટયુબર ધ્રુવ
રાઠીએ પોતાની અટકાયતની કાર્યવાહી સામે આજે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તે કોઈ કાનૂની ધરપકડની કાર્યવાહી નહોતી બલકે
અપહરણ હતું. બીજીબાજુ આજે હિરાસતમાંથી બહાર આવીને સીજેપીના નેતા સૌરવ દાસે પણ પોલીસ
ઉપર ગંભીર આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે, તેમની પાસેથી ફોન ઝૂંટવી
લેવામાં આવ્યા હતા અને તેનું હેકિંગ કરવામાં આવ્યું હોવાની પૂરી આશંકા છે. દાસે આરોપ
મૂક્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના
ઇશારે સીજેપી કાર્યકરો પર બર્બરતા આચરાઇ હતી. સીજેપી નેતાઓએ વિરોધ જારી રાખવાની પ્રતિજ્ઞા
સાથે કહ્યું હતું કે, હવે આ આંદોલન દેશભરમાં વિસ્તારાશે. ધ્રુવ
રાઠીની શનિવારે તેનાં ઘરેથી અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ હતા અને રાત્રે તેને
છોડી મૂકવામાં આવ્યો હતો. ધ્રુવે આજે એક વીડિયો જારી કરીને પોતાનો ભારતીય પાસપોર્ટ
દેખાડીને કહ્યું હતું કે, સૌથી પહેલાં તો પોતે સંપૂર્ણપણે ભારતીય
નાગરિક હોવાનું અને અન્યોની જેમજ પોતાને પણ તમામ અધિકાર હોવાનું પોતાના આલોચકોને કહ્યું
હતું. આગળ તેણે 10મીએ સવારે બનેલી ઘટના વર્ણવતાં કહ્યું હતું
કે, હું ત્યારે મારા બેડરૂમમાં સૂતો હતો અને મારી
મમ્મીએ દરવાજો ખોલ્યો ત્યારે સાદા કપડામાં બહાર ઘૂમતા 20-2પ લોકો ઘરમાં ઘૂસી ગયા હતા.
ધક્કા-મુક્કી કરીને ઘરમાં ધસી આવીને ચોતરફ ફેલાઈ ગયા હતા અને પછી મને ઢસડીને ઉઠાવી
જવામાં આવ્યો હતો. મને ચંપલ પણ પહેરવા દેવાયા નહોતા. મારું અપહરણ કરીને મને એકથી બીજી
પોલીસ ચોકીએ ફેરવવામાં આવતો રહ્યો હતો. મારો ફોન આંચકી લેવાયો હતો અને વકીલને પણ સંપર્ક
કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેણે સોનમ વાંગચૂકનો પણ આભાર માન્યો હતો.
જેણે તમામ આંદોલનકારીઓની મુક્તિ માટે ભૂખ હડતાળનું એલાન કર્યું હતું. ધ્રુવ રાઠીએ અંતે
કહ્યું હતું કે, હજી પણ મારા ઘર આસપાસ 1પ જેટલા લોકો સાદા કપડાંમાં ફરે છે અને
મારા ઉપર નજર રાખી રહ્યા છે. મને નજરકેદ કરાયો હોય તેવી હાલત છે. ઉત્તર કોરિયા જેવી
સ્થિતિ ભારતમાં ઊભી કરી દેવાઈ છે. તેણે આગળ નરેન્દ્ર મોદીને પડકારતાં કહ્યું હતું કે, એટલા પણ ડરાવશો નહીં કે ડર જ ખતમ થઈ જાય. બીજીબાજુ
સીજેપીના નેતાઓએ પણ કોર્ટમાંથી છુટકારો મળ્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી અને સૌરવ
દાસે જણાવ્યું હતું કે, તેને આર.કે. પુરમમાં રાખવામાં આવ્યો હતો,
જ્યારે અભિજિત અને આશુતોષને અન્યત્ર રાખવામાં આવ્યા હતા. તેણે સીજેપીના
કાર્યકરો અને પ્રદર્શનકારીઓ સામે થયેલી બર્બરતાના મામલે માનવ અધિકાર પંચને પણ ઢંઢોળવાનો
પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, શું તે સૂઈ ગયું છે?
સૌરવે પણ પોતાની અટકાયતની કાર્યવાહીને અપહરણ ગણાવી હતી અને કહ્યું હતું
કે, તેના ફોન ઝૂંટવી લેવામાં આવ્યા હતા અને તેને હેક કરી લેવાયા
હોવાની સંભાવના છે. તેણે કહ્યું હતું કે, આ સરકાર જ્ઞાનેશકુમારને
એટલે છાવરી રહી છે. કેમ કે, તે મોદી-શાહ અને સરકાર માટે કામ કરે
છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કસ્ટડીમાંથી છૂટીને અભિજિત દીપકે આજે સીધા પોતાનાં ગામ મહારાષ્ટ્રનાં
હિંગોલી જતા રહ્યા હતા. કારણ કે, શનિવારે જ તેમનાં દાદીનું અવસાન
થયું હતું. સૌરવે જણાવ્યું હતું કે, અભિજિતને જ્યારે શનિવારે
તેનાં દાદીનાં મૃત્યુનાં સમાચાર આપવામાં આવ્યા ત્યારે પણ પોલીસ ત્યાં માઈક અને કેમેરા
લઈને ઊભી હતી.