ભુજ, તા. 11 : મુંદરા તાલુકાના મોટા કપાયા
મધ્યે વિનાયક પેટ્રોલ પંપની તા. 29/08/2005ના
પુરવઠા વિભાગે તપાસણી કરતાં તે દરમ્યાન 3,75,760 લિટર જથ્થો સ્ટોકમાં હાજર હતો. સદરહુ તપાસણી દરમ્યાન પેટ્રોલ
વેચાણની ગેરરીતિ, ક્ષતિ છે તેવું
જણાઈ આવ્યું, સ્થળ પર રહેલો જથ્થો સ્થગિત કરી અને તપાસણીનો રિપોર્ટ
કચ્છના કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવતાં જે-તે સમયે તે જથ્થો રાજ્યસાત કરતો હુકમ કર્યો
હતો. પંપ માલિકે કાનૂની લડત ચલાવતાં અંતે હાઈકોર્ટે તે હુકમ કાયદેસરનો ન હોવાનું ઠરાવી
અને સાથેસાથે સેશન્સ જજ ભુજ દ્વારા તે હુકમ જે કાયમ કરતો હુકમ કર્યો તે પણ હાઈકોર્ટે
રદ જાહેર કરી રાજ્યસાત થયેલો પેટ્રોલનો જથ્થો પંપમાલિકને પરત કરવા વિકલ્પે,
તે જથ્થાની કિંમત જે રૂા. 1,65,146 પરત કરવા હુકમ કર્યો હતો. રાજ્યસાત કરવાની કાર્યવાહી દરમ્યાન
પેટ્રોલનો જથ્થો કલેકટર દ્વારા પુરવઠા નિગમ મારફતે વેચાણ કરી તેની કિંમત સરકારી તિજોરીમાં
જમા કરાવી હોઈ આવશ્યક ચીજવસ્તુ ધારાની જોગવાઈઓ પ્રમાણે કલેકટર દ્વારા પંપમાલિકને રૂા.
6,70,566.41 ચૂકવવાની થાય છે તે રકમ ચૂકવવા
માટેની કાનૂની કાર્યવાહી ઠક્કર એસોસિયેટસ, ભુજના વકીલ મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ
ઠક્કર દ્વારા શરૂ કરવામાં આવી છે. - ત્રણ કેસ : આરોપી નિર્દોષ : માનકૂવા પોલીસમાં સને 2025માં પાયરકાના રહેવાસી હીરજી
બુદ્ધાભાઈ હિંગણા વિરુદ્ધ પરવાના વિના દેશી બંદૂક રાખવા બદલ આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ
થયો હતો, જેમાં ગુનો પુરવાર ન થતાં કોર્ટે આરોપીને નિર્દોષ
છોડી મૂકવા હુકમ કર્યો હતો. અન્ય કેસમાં મોટા ભાડિયાના સરપંચ દ્વારા સને 2023માં આરોપીઓ પચાણ મેઘરાજ તુરિયા
(ગઢવી), ઈશ્વર પુનશીભાઈ તુરિયા (ગઢવી) વિરુદ્ધ ધાકધમકી
અને એટ્રોસિટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં પણ સ્પે. એટ્રોસિટી કોર્ટે
આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. બન્ને કેસમાં આરોપીઓના વકીલ તરીકે દેવાયત એન. બારોટ,
ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જયેશ કટુઆ,
અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2021ના મે માસમાં તીક્ષ્ણ હથિયારથી
માર મારી જાતિ અપમાનિત કરવા અંગે આરોપીઓ સાહિલ ઉર્ફે સોહિલ જુસબ લુહાર, અકીલ ઉર્ફે બકાલી જુમા જીએજા, સકિલ અબ્દુલભાઈ કુંભાર (રહે. તમામ માનકૂવા) વિરુદ્ધ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. આ કેસ ફરિયાદ પક્ષ પુરવાર ન કરી શકતાં કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો
છે. આરોપીઓના બચાવ પક્ષે એડવોકેટ યજ્ઞેશ પી. શર્મા, કુલદીપ જે.
મહેતા, યશ પી. રાજગોર હાજર રહ્યા હતા. - હરુડીની જમીન અંગે મનાઈ હુકમ
: વાદી નયન ચંદુલાલ પટેલ દ્વારા ભુજની સિવિલ
કોર્ટમાં ભુજ તાલુકાના ગામ હરુડીની સીમમાં આવેલા રે. સ. નં. 42, 43/1, 43/2 અને 44/3વાળી મિલકતમાં વાદીનો પ0 ટકા હક્ક, ભાગ અને હિસ્સો કાયદેસરનો હોવા છતાં પ્રતિવાદી
પૂંજા હમીર કાબરિયા દ્વારા સને 2024 છેતરપિંડીથી પોતાની તરફેણમાં કરાવી લીધો હતો, જે અંગે કાનૂની લડત વાદીએ ચલાવી છે. કાયદાકીય
દલીલો તેમજ દસ્તાવેજી આધારો નજરે ભુજના અધિક સિનિયર સિવિલ જજે વાદીની તરફેણમાં દાવાનો
નિકાલ ન થાય ત્યાં સુધી તમામ પ્રતિવાદીઓને વાદગ્રસ્ત મિલકત વેચાણ, તબદિલી, ટ્રાન્સફર કે ભાર-બોજો ઉત્પન્ન કરવો,
કરાવવો નહીં તેવો વાદીની તરફેણમાં મનાઈ હુકમની અરજી મંજૂર કરતો ચુકાદો
આપ્યો છે. વાદીના વકીલ તરીકે અમિત એ. ઠક્કર, પ્રશાંત બી. મકવાણા,
રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા.