રાપર, તા. 11 : રાપરથી 20 કિલોમીટર દૂર કાનપરમાં ગત નવેમ્બર-2025માં સાડા છ એકરમાં દક્ષિણ ભારતનાં
મંદિરની શૈલીમાં નિર્મિત મંદિરમાં લિંગ માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવતાં રાપર તાલુકાનાં
દર્શનીય સ્થળોમાં એક વધુ મંદિરનો ઉમેરો
થયો છે. સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન
એવાં આ શક્તિપીઠના દર્શનાર્થે કાયમ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. આશ્વિન નવરાત્રિ
દરમિયાન અહીં રોજ હવન અને હવનાષ્ટમીના દિવસે વિશેષ હવન કરવામાં આવતો હોવાનું ટ્રસ્ટના
પ્રમુખ મહાદેવ ભૂષણે જણાવ્યું હતું. બહારથી આવતા દર્શનાર્થીઓ માટે કાયમ ભોજનની વ્યવસ્થા
કરવામાં આવે છે, જે નવરાત્રિ દરમિયાન આખો
દિવસ ભોજન-પ્રસાદ ચાલુ રાખવામાં આવે છે. આ મંદિરનાં ભૂમિદાતા હરેશ ગામીને સ્વપ્નમાં
આવી લિંગ માતાજીએ મંદિર બનાવવા માટે કહ્યું હોવાનું અને તેમના જ આદેશ અનુસાર દક્ષિણ
ભારતની સ્થાપત્ય શૈલીમાં મંદિર નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મંદિરની ચારે
બાજુ 1008 શિવાલિંગ, ગર્ભગૃહની નીચે પાંચ શિવાલિંગ, પરિસર ફરતે 48 દેવી-દેવતાનાં
મંદિરો અને 27 નક્ષત્રનાં વૃક્ષોથી આચ્છાદિત
આ મંદિરે એકવાર દર્શન કરવા જેવું છે. મંદિરનાં મેનાજિંગ ટ્રસ્ટી હરેશ ગામી માતાજીની સેવા-પૂજા કરે છે.